• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદી : ઉત્પાદન ઘટાડવું પડશે

કેટલાંક એકમો બંધ પડી જાય એવી પરિસ્થિતિ

મોરબી, તા.31(ફૂલછાબ ન્યૂઝ) : મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરીને કરોડોની નિકાસ સાથે વિદેશી હુંડિયામણની મોટી આવક રળી આપે છે છતાં ઓરમાયું વર્તન સરકાર તરફથી રહ્યું છે. સરકારના પ્રોત્સાહનના અભાવે અત્યારે ઉદ્યોગ ડામાડોળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. મંદીના વમળમાં માગના અભાવે અટવાઈ ગયો છે અને કેટલાંક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ છે. ઉદ્યોગ ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે તેમ જણાવતા ઉદ્યોગકારો કહે છે કે, ઉત્પાદન પ્રમાણે માગ નથી. શિયાળા દરમિયાન માગ વધતી હોય છે પણ અત્યારે ઉંધી સ્થિતિ છે. સ્થાનિક માગ નથી. ઉપરાંત વૈશ્વિક બજારમાં પણ યુદ્ધની સ્થિતિ ઉપરાંત કન્ટેઇનર ભાડામાં વધારો અને એન્ટિ ડમ્પિંગ ડયુટીના મુદ્દાને લીધે નિકાસ ઘટી ગઈ છે. 18 હજાર કરોડની વાર્ષિક નિકાસ સામે ચાલુ વર્ષે માત્ર 12 હજાર કરોડની નિકાસ થાય એવી શક્યતા છે. એક મહિના માટે કેટલાંક યુનિટો બંધ કરવા પડે એમ છે. પાછલા એક બે વર્ષમાં આશરે 150 યુનિટને તાળાં લાગી ગયા છે.કેટલાક શ્રમિકો અન્ય ઉધ્યોગમાં જતા રહ્યા છે. કેટલાક વતન ભણી ચાલ્યા ગયા છે. ઉદ્યોગની મંદીને લીધે માઠી અસર રોજગારી પર પણ પડી છે, તેમ વોલ ટાઇલ્સ એસો.ના હરેશ બોપલિયાએ કહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક