રાષ્ટ્રીય ગિરનાર આરોહણ - અવરોહણ
સ્પર્ધાનું તા. 2 ફેબ્રુઆરીએ આયોજન : ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી યોજાશે સ્પર્ધા
જૂનાગઢ, તા.23 : અખિલ ભારત ગિરનાર
આરોહણ - અવરોહણ સ્પર્ધા ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,
ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત ભારતભરના યુવક અને યુવતીઓ માટેની
અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોણ સ્પર્ધા આગામી તા.2 ફેબ્રુઆરીએ ભવનાથ તળેટીથી અંબાજી
મંદિર (5500 પગથિયાં) સુધી યોજાશે.
આ સ્પર્ધામાં ભારતનાં જુદાં જુદાં
રાજ્યોમાંથી અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ ખાતે
આવ્યાં છે. ઉપરાંત ગુજરાત રાજ્યનાં 5 જુદાં જુદાં સ્થળ જેવા કે ઓસમ પર્વત, ચોટીલા પર્વત,
ઈડર પર્વત, પાવાગઢ પર્વત અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ - અવરોહણ સ્પર્ધાના પ્રથમ
10 વિજેતા અને રાજ્યકક્ષા ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાના પ્રથમ 25 વિજેતા આ સ્પર્ધામાં
ભાગ લેશે.
આ સ્પર્ધાની તૈયારીના ભાગરૂપે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 8 (આઠ) સમિતિની રચના કરવામાં આવી છે. સ્પર્ધામાં
ભાગ લેનાર ખેલાડીઓએ 31 જાન્યુઆરીના રોજ સિનિયર/જુનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા અને
સિનિયર/જુનિયર બહેનો માટે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડી, ભવનાથ તળેટી ખાતે રિર્પોટિંગ,
નિવાસ વ્યવસ્થા રાખી છે અને આગામી 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી સ્પર્ધામાં ભાગ
લેનાર દરેક ખેલાડીઓનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવશે.