• બુધવાર, 12 માર્ચ, 2025

રાજકોટ જિ.પં.નું કરબોજ વગરનું રૂ.1091.64 કરોડનું બજેટ મંજૂર ગ્રામજનોના કલ્યાણ-ઉત્કર્ષ અને પ્રગતિને ધ્યાને લઈને

ચૂંટણી વર્ષને ધ્યાનમાં લઈને સભ્યોની ગ્રાન્ટ રૂ.22 લાખથી વધારીને રૂ.30 લાખ કરતી કારોબારી સમિતિ

વિચરતી-વિમુક્ત જાતિના સંતાનોને શિક્ષણ સહાય પેટે રૂ.20 લાખ ચૂકવાશે

રાજકોટ તા.11 : રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું રૂ.1091,64  કરોડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રજાજનોના કલ્યાણ-ઉત્કર્ષ અને પ્રગતિ તેમજ વિચરતી-વિમુક્ત જાતિના સંતાનોને શિક્ષણ સહાયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ બજેટમાં ગ્રામજનો ઉપર કેઈપણ પ્રકારના નવા કરવેરા નાખવામાં આવ્યાં નથી ઉલટાનું બજેટમાં સ્વભંડોળના 22 કરોડના કામો તેમજ સભ્યોને મતક્ષેત્રોના વિકાસકામો માટેની ફાળવણી રૂ.22 લાખથી વધારીને રૂ.30 લાખ કરવામાં આવી છે.

પ્રમુખ પી.જી.કિયાડાના અધ્યક્ષસ્થાને આજરોજ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક યોજાઈ હતી જેના એજન્ડામાં વિવિધ વિકાસ કામો ઉપરાંત નવા નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ મંજૂર કરવાની પણ દરખાસ્ત હતી.આ વર્ષે બજેટના કદમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2024-25 ના ચાલુ નાણાંકીય વર્ષનું 958.60 કરોડનું (સ્વભંડોળનું 21.93 કરોડ) બજેટ હતું જ્યારે વર્ષ 2025-26નું બજેટ સ્વભંડોળનું 22 કરોડ સહિત 1091.64 કરોડ રહ્યું હતું

ઉલ્લેખનીય છે કે, બજેટમાં વિકાસકામો માટે સૌથી વધુ 10.80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ચૂંટણીનું વર્ષ હોવાથી તમામ સભ્યોની ગ્રાન્ટમાં પણ વધારો કરાયો છે. અગાઉ સભ્યોને પોતપોતાના મતક્ષેત્રોના વિકાસ કાર્યો સુચવવા માટે રૂ.22 લાખની ફાળવણી કરવામાં આવતી હતી જે હવે રૂ.30 લાખ ફાળવાશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વતન ધરાવતા અને રાષ્ટ્રની રક્ષા કાજે શહીદ જવાનના પરિવારનો 2-2 લાખ આપવાની યોજના અંતર્ગત 10 લાખની ફાળવણી થઈ છે જ્યારે વર્ગ-3 અને 4ના કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તો 1 લાખની સહાય યોજના અંતર્ગત 10 લાખની જોગવાઈ છે.

કારોબારી બેઠકમાં આજે 17.50 કરોડના વિકાસ કામોની 12 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. આ તમામ દરખાસ્તો બાંધકામ વિભાગની હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગાવિંદ, પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, પૂર્વ પ્રમુખ ભુપત બોદર વગેરે હાજર હતા.

ઇ-પેપરના નવા શુલ્ક