અમદાવાદ, તા.12 : આવતીકાલથી રંગોનો પર્વ હોળી-ધૂળટીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો, સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી.
આ હોળી
ઉત્સવ માટે આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શંકર ચૌધરી તથા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનગૃહમાંથી પગપાળા
આ પ્રાંગણમાં પહોંચ્યા હતા. વિધાનસભા પરિસર સામેના આ હરિયાળા પ્રાંગણમાં હોળીગીતોની
સંગીતમય પ્રસ્તુતિ તથા આદિવાસીઓનાં હોળી નૃત્યોના રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને
વિધાનસભાના અધ્યક્ષ સહિત સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યા હતા અને આ રંગપર્વનો
મન મૂકીને આનંદ માણ્યો હતો.
રંગબેરંગી
કલર અને સજાવટથી વિધાનસભાનું પ્રાંગણ કલરફૂલ બની ગયું હતું. પ્રાંગણમાં બેસવા માટે
ખાટલા-ઢોલિયા સાથે રંગબેરંગી ફૂલોની સજાવટથી નયનરમ્ય રંગોળી પણ આ હરિયાળા પ્રાંગણની
શોભા વધુ રંગમય બની હતી. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો રાજનીતિ ભૂલીને હોળીગીતોના
તાલે ગરબા પણ રમ્યા હતા અને એકબીજાને રંગ લગાવી સમગ્ર વાતાવરણને રંગારંગ, ઉલ્લાસમય
અને પરસ્પર પ્રેમનું પ્રતીક બનાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના
અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્યો, આમંત્રિતોએ આ રંગ પર્વના ઉલ્લાસ સાથોસાથ સમૂહ ભોજનનો
આસ્વાદ પણ માણ્યો હતો.