• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

ગુજરાતમાં નવી જંત્રીનો અમલ હાલ પૂરતો મોકૂફ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નવી જંત્રી પર ચર્ચાને અંતે મુખ્યમંત્રીનો સ્પષ્ટ સંકેત :

અગાઉ મુખ્યમંત્રીએ નવી જંત્રીના દરમાં કોઈપણ જાતની રાહત આપ્યા વિના 1લી એપ્રિલથી અમલ કરવાનું નક્કી કર્યું હતું

હૃષિકેશ વ્યાસ

અમદાવાદ,તા.26 : રાજ્યમાં નક્કી કરાયેલા શહેરી કક્ષાએ 23,845 અને ગ્રામ્ય કક્ષાએ 17,131 મળીને કુલ નવા વેલ્યુઝોન મુજબ જમીન-મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની કમરતોડ નવી જંત્રીના દરની અમલવારી 1લી, એપ્રિલ-2025થી કરવાનું નક્કી કરાયા બાદ ભારે આંતરિક વિરોધને પગલે રાજ્ય સરકારે, હાલ પૂરતું ભાવ-વધારા સાથેની નવી જંત્રી-2025નો અમલ મોકૂફ રાખવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. 26મી-માર્ચના બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. જેમાં નવી જંત્રીના મુસદ્દા તથા તેના ઉપર મેળવાયેલા વાંધા-સૂચનો, રાજ્ય અને જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા તેની કરાયેલી સમીક્ષાઓ પછીના અહેવાલો ઉપર ચર્ચા થયા બાદ મોટાભાગની કક્ષાએ વિરોધી સૂર જોયા પછી આખરે મુખ્યમંત્રીએ નવી જંત્રીનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ કોઈ રાજ્ય સરકાર કે તેના પ્રવક્તા તરફથી થયેલી સત્તાવાર જાહેરાત નથી પણ-મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચાને અંતે મુખ્યમંત્રી દ્વારા અપાયેલા સંકેતની ઉચ્ચતમ સૂત્રોમાંથી મળેલી જાણકારી છે.

            12મી, માર્ચ-2025ના બુધવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં નવી જંત્રીમાં રાહત કે તેના ગરમાં ઘટાડા અંગે  ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ નવી જંત્રીના દરમાં કોઈપણ જાતની રાહતનો કે તેના વધારાયેલા દરમાં ઘટાડો કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો ત્યારબાદ રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએથી ફીડબેક મેળવવામાં આવ્યા હતા. છેવટે ગત શુક્રવારે મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને મહેસુલ વિભાગના અધિકારીઓની એક અતિ-મહત્વની બેઠક મળી હતી. જેમાં હાલની જંત્રીના અમલથી રાજ્ય સરકારને થતી અને થનારી સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફીની આવક ઉપરાંત હવે જો, નવી જંત્રીના વધારાયેલા ધરખમ ભાવ વધારાને કારણે સરકારને થનારી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાં થનારા સંભવિત વધારા અંગે ચર્ચા કરાઈ હતી. તેની સાથે નવી જંત્રીના દરને યથાવત રાખીને તેમાં કરાયેલા ભાવ વધારો પાછો ન ખેંચાય તો શું સ્થિતિ થાય, તેની પણ ચર્ચા કરાયા બાદ તે સમગ્ર બાબતથી મુખ્ય સચિવ કક્ષાએથી મુખ્યમંત્રીને વાકેફ કરાયા હોવાની જાણકારી મળી હતી.

બિલ્ડર લોબી સહિતના સેકટર્સમાંથી તીવ્ર વિરોધને પગલે નિર્ણય

દરમિયાનમાં 26મીના બુધવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, હાલની સ્થિતિએ નવી જંત્રીના ભારેખમ ભાવ વધારાને કારણે બિલ્ડર લોબી સહિતના વિવિધ સેકટર્સમાંથી જે તીવ્ર વિરોધ સંભળાઈ રહ્યો છે. તેના કારણે સરકાર અને ભાજપ સંગઠનને ભારે રાજકીય ફટકાની પણ દહેશત સેવાતી હતી. આ ઉપરાંત મંદીમાંથી પસાર થઈ રહેલા એસ્ટેટ સેકટરને પણ મોટું નુકશાન થાય અને રોજગારીની તકો ઉપર પણ તેની વિપરિત અસરની સમીક્ષા કરાયા બાદ સૂત્રોની જાણકારી મુજબ હવે રાજ્ય સરકાર હાલને તબક્કે નવી જંત્રીના અમલના મૂડમાં બિલકુલ નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક