• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

અમદાવાદ એરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા ફોડાય છે મહિને 20 લાખના ફટાકડા!! બર્ડ હિટ જેવી ઘટનાઓ ન બને તે માટે 24 કલાક તૈનાત રખાય છે સ્ટાફ

અમદાવાદ, તા.1 : અમદાવાદના એરપોર્ટના રન-વે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા માટે દર મહિને 20 લાખ રૂપિયાના ફટાકડા ફોડવા પડે છે. ફટાકડા ના ફોડાય ત્યાં સુધી વાંદરા કે પક્ષીઓ જતાં નથી તેથી એરપોર્ટનો સ્ટાફ ફ્લાઈટ ઉપડવાની હોય ત્યાં પહેલેથી ફટાડકા લઈને પહોંચી જાય છે. આખો દિવસ સમયાંતરે ફૂટતા ફટાકડાના કારણે એરપોર્ટ પર ધુમાડો પણ છવાઈ જાય છે.

અમદાવાદ એરપોર્ટ પર હાલમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ દૈનિક 250થી વધારે ફલાઈટની અવરજવર ચાલી રહી છે. રોજના 10,000 જેટલા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર મુસાફરી કરી રહ્યા હોય છે. આ પૈકી મોટા ભાગની ફ્લાઈટના ટેક ઓફ સમયે પક્ષીઓ કે વાંદરા રન વે પર આવી જતા હોય છે. જેના કારણે બર્ડ હિટ થવાનો ખતરો રહે છે. ફ્લાઈટના ટેક ઓફ સમયે જો પક્ષી અથડાઈ જાય તો ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે અને ફ્લાઈટનું એન્જિનિયરો દ્વારા ચાકિંગ કરવામાં આવે છે ત્યારબાદ જ ફ્લાઈટને ટેક ઓફ કરવામાં આવે છે.

આ ખતરાને ટાળવા માટે ફટાકડા ફોડવા માટે ગ્રાઉન્ડ ઉપર માણસો 24 કલાક માટે રાખવામાં આવ્યા છે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના બને નહીં. એક અંદાજ પ્રમાણે મહિનામાં 15 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયાના ફટાકડા પહેલા ફોડવામાં આવે છે. ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં પાંચથી સાત બર્ડ હિટની ઘટના બની હતી. જો કે ફટાકડા ફોડવાનું ચાલુ કરાયું પછી અત્યાર સુધીમાં આવી કોઈ ઘટના સામે આવી નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક