• સોમવાર, 07 એપ્રિલ, 2025

સુરતમાં દુષ્કર્મ કેસમાં જૈન મુનિને કોર્ટે દોષિત ઠેરવ્યા

 

ધાર્મિક વિધિના નામે રૂમમાં બોલાવી કર્યો’તો બળાત્કાર: કાલે સજા સંભળાવવામાં આવી શકે

સુરત, તા.4:  સુરતમાં નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં સન 2017માં વડોદરાની શ્રાવિકા પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે અઠવા પોલીસમાં ગુનો નોંધાયા બાદ જૈન મુનિની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો હતો. દરમિયાન આ કેસમાં સુરત કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપી જૈન મુનિને દોષિત ઠેરવ્યા છે. આ મામલે આવતી કાલ સુધીમાં આરોપીને સજા સંભળાવવામાં આવે એવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

નાનપુરાના ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં આવેલાં રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની યુવતીને બોલાવવામાં આવી હતી અને જૈનમુનિ એવા આરોપી શાંતિસાગરે તેણીને એકાંતમાં લઇ જઇ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં નોંધાવતા આરોપી શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઇ હતી.

શાંતિસાગર સામે 2017થી ટ્રાયલ ચાલતી હતી. નામદાર કોર્ટે તકસીરવાન ઠેરવ્યા છે. પીડિતાને તાંત્રિક વિધિના નામે બોલાવી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યુ હતું. કોર્ટે પીડિતાની જુબાની અને મેડીકલ પુરાવાઓને ધ્યાન પર લઇ દોષિત ઠેરવ્યા છે. પીડિતાના માતા-પિતા જૈન મુનિને ગુરુ માનતા હતા અને સુરતના ઉપાશ્રયમાં અવાર નવાર આવતા હતા. જૈનમુનિએ તેઓને તેમની દીકરીને સાથે લાવવા જણાવ્યું હતું. બાદ તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ હતી. આરોપીની સજા માટે સંભવત આવતી કાલે સુનવણી થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક