• બુધવાર, 29 ઑક્ટોબર, 2025

કાલાવડના ડુંગરિયા દેવળિયા ગામમાં વીજ કરંટથી દંપતી સહિત 3નાં મૃત્યુ મગફળીનો ભૂક્કો ખસેડતા હતા ત્યાં વીજ વાયર તૂટીને પડયો, અરેરાટી

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા. 27 : વિક્રમ સંવત 2082ના વર્ષના પ્રારંભે જ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જુદી જુદી જીવલેણ દુર્ઘટનાઓ બની રહી છે. આ ક્રમમાં આજે સાંજે વધુ એક દુર્ઘટનાનો ઉમેરો થયો હતો. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળિયા ગામે વીજ વાયર તૂટીને પડતા વીજ કરંટથી એક દંપતી સહિત ત્રણના મૃત્યુ થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી છે ત્યારે કમોસમી વરસાદને પગલે દંપતી અને એક શ્રમિક યુવક ઘરની નજીક મગફળીના ભૂક્કાને ખસેડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજ વાયર તૂટીને તેમના પર પડ્યો હતો. જેના કારણે ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેમના મૃત્યુ નિપજ્યા હતા. મૃતક દંપતી ખેતરનું માલિક હોવાનું જાણવા મળ્યું છે.

આ દુર્ઘટના બનતા જ આસપાસના લોકો ત્યા આવી પહોંચ્યા હતા. ત્રણેય મૃતદેહોને કાલાવડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. કાલાવડ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વીજ કરંટથી ત્રણ-ત્રણ નિર્દોષના મૃત્યુ થતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

સ્મૃતિ વન ડે કેરિયરના શ્રેષ્ઠ રેટિંગ સાથે ટોચ પર October 29, Wed, 2025