(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.27: જામનગરથી લાલપુર
વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા ચંગા ગામમાં જૂની પંચાયત કચેરી પાસે રહેતા ચંદુભા માનસંગજી
કેર નામના પ્રૌઢ તથા તેમના ભત્રીજા રાજદીપાસિંહ ધોકાની રાત્રે મોટરસાયકલમાં દરેડથી
ચેલા જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે રાત્રે નવેક વાગ્યે ચેલા રોડ પર મંદિર નજીક
પહોંચ્યા ત્યારે ટ્રક રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો. ટ્રકના ચાલકે મોટરસાયકલને અડફેટે
લેતા રોડ પર પછડાયેલા ચંદુભા તથા તેમના ભત્રીજા રાજાદિપાસિંહને ગંભીર ઈજા થઈ હતી. બંને
કાકા-ભત્રીજાને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નિવડે
તે પહેલા બંને વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે મૃતક
ચંદુભાના પુત્ર હરદીપાસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે
ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધ્રોલ શહેરમાં આવેલા ગાયત્રીનગરમાં રહેતા અને છકડામાં
શાકભાજી તથા ફળ ભરી જુદા જુદા ગામડાઓમાં વેચાણ કરવા માટે જતા સુરેશભાઈ બટુકભાઈ રાઠોડ
નામના 34 વર્ષના યુવાન ગઈ તા.8ની સવારે છકડામાં શાકભાજી તથા ફળ ભરીને ધ્રોલ તાલુકાના
લૈયારા તરફના ગામડાઓમાં વેચાણ કરવા માટે ગયા હતા.જ્યાંથી તેઓ બપોરે સાડા અગિયારેક વાગ્યે
ધ્રોલ તરફ પરત ફરતા હતા. ત્યારે લૈયારા ગામથી એકાદ કિલોમીટર આગળ રોડ પર એક ગાય આડી
ઉતરતા સુરેશભાઈએ જોરથી બ્રેક મારી હતી. જેમાં છકડો ગોથું મારી ગયો હતો. આ અકસ્માતમાં
છકડા પરથી પછડાયેલા સુરેશભાઈને પેટ તથા કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ યુવાનને
સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે તેઓને
મૃત પામેલા જાહેર કર્યા હતા.