ભાવનગર, તા.29 : ભાવનગર નજીક
ભાલના સવાઈનગર ગામમાં જમીનમાં ભાગ મામલે મોટાભાઈએ ધરિયાના ઘા મારી નાના ભાઈની ઘાતકી
હત્યા નીપજાવતા અરેરાટી વ્યાપી છે.
ભાલ પોલીસ સ્ટેશન તાબેના સવાઈનગર
ગામમાં રહેતા મુકેશ બટુકભાઈ પરમારને તેના પિતા બટુકભાઈ તળશીભાઇ પરમારને વરસાઈમાં ખેતીની
43 વિઘા જમીન છે. જે જમીનમાં ભાગ જોઈતો હોવાથી તે અવારનવાર તેના પિતા પાસે ખેતીની જમીનમાં
ભાગ માંગતો હતો. દરમિયાન ગઈકાલે બટુકભાઈ અને તેનો નાનો પુત્ર ચંદુભાઈ ઘરે હાજર હતા
ત્યારે મુકેશે ઘરે આવી ‘મને મારી જમીનનો ભાગ આપી દ્યો, મારે જમીન વેચી નાખવી છે’, તેમ
કહી તેના પિતા અને નાનાભાઈ સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાઈ જઈ ચંદુભાઈના માથાના
ભાગે અને હાથ ઉપર ધારિયાના ઘા ઝીંકી દઈ ગંભીર ઇજા પહોંચાડી હતી.
બટુકભાઈ ચંદુભાઈને બચાવવા માટે
જતા તેમને પણ મુકેશે ધારિયાનો ઉંધો ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં ગંભીર રીતે
ઇજાગ્રસ્ત ચંદુભાઈને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં
આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી
સિંઘલ તેમજ વેળાવદર ભાલ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હત્યાના
આ બનાવ અંગે બટુકભાઈ તળશીભાઈ પરમારે તેના પુત્ર મુકેશ પરમાર વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવી હતી.