• બુધવાર, 02 એપ્રિલ, 2025

જાફરાબાદમાં કચરાનું ‘િરસાઈક્લિંગ’ કરતી ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી

ફાયરબ્રિગેડની 7 ટીમ સતત ખડેપગે રહી : સદ્ભાગ્યે જાનહાનિ ટળી : પાણીનો સ્ટોક ખૂટતાં દરિયાઈ રેતી વડે આગ બૂઝાવવાના પ્રયાસો શરૂ કરાયાં

આગ લાગવાનું કારણ અકબંધ, દૂર-દૂર સુધી ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યાં

રાજુલા, તા.29 : અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જાફરાબાદના બાબરકોટ નજીક કચરાનું રિસાઈક્લિંગ કરતા એક કારખાનામાં આજે બપોરે કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતાં ફાયરબ્રિગેડની 7 ટીમ બચાવ કામગીરી માટે સ્થળ ઉપર દોડી ગઈ હતી.આગ એટલી વિકરાળ હતી કે, દુર-દુર સુધી ધુમાડાના ગોટેગોટા નીકળ્યાં હતાં. આગ દુર્ઘટનાનું કારણ સામે આવ્યું નથી પરંતુ વ્યાપક નુકસાનનું અનુમાન છે. સદ્ભાગ્યે જાનહાનિના કોઈ સમાચાર આવ્યાં નથી. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ આગ ઓલાવવાની કામગીરી ચાલુ છે, પાણીનો સ્ટોક ખૂટતાં દરિયાની રેતીથી આગ બૂઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

દુર્ઘટના અંગે ફાયર ઓફિસર એસ.સી.ગઢવીએ જણાવ્યું હતું કે, પવનની ગતિના કારણે આગ બેકાબૂ બની હતી. આ વિસ્તારમાં ઘન કચરાનો સંગ્રહ કરવામાં આવે છે. ફાયર બ્રિગેડ દ્વારા જેસીબીની એક ટીમ બનાવવામાં આવી હતી. સાત જેસીબીની મદદથી કચરાની વચ્ચે રસ્તો ઉભો કરી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. આગ દુર્ઘટનાની જાણ થતાં જાફરાબાદના મામલતદાર એમ.ડી.લકુમ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્સ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિતના ઉદ્યોગોના ફાયર ફાયટર્સ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, જાફરાબાદ તાલુકાના બાબરકોટ નજીક કચરાનું રિસાઈક્લિંગ કરતા કારખાનામાં આજે બપોરે દોઢ વાગ્યા આસપાસ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં. આગ ક્યાં કારણોસર લાગી એ હજુ સુધી જાણી શકાયું નથી જો કે, આગના કારણે કારખાનામાં ભારે નુકસાન થવાની આશંકા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક