1152 બોટલ સાથે કુલ રૂ.4.15 લાખનો
મુદ્દામાલ જપ્ત કરાયો : કારના નંબરના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ
ચોટીલા, તા.29: ચોટીલા પોલીસે
પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે એક સ્વીફટ કારમાંથી ઇગ્લીશ દારૂની 1152 બોટલ સાથે રૂ.4.15
લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા ટાઉન
વિસ્તારમાં પીએસઆઇ ડી. એ. સાંખટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે સમયે બાતમી
મળી હતી કે, સન સાઇન સ્કૂલની પાછળ અકુભાઇ બાબભાઇ પરમારના ડેલા પાસે ભારતીય બનાવટનો
ઇગ્લીશ દારૂ ભરેલી ગાડી ચાલક મુકીને ભાગી ગયો છે. જેના આધારે બાતમીવાળા સ્થળે રેઇડ
કરતા કારમાંથી ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 1152 બોટલ મળી આવી હતી.
પોલીસે દારૂની બોટલો અને કાર
મળી કુલ રૂ.4,15,200નો મુદામાલ કબજે કરી કારના નંબરનાં આધારે ચાલક સહિતનાં સામે ગુનો
નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાતે દારૂના કટીંગ
દરમિયાન પડેલા દરોડા પૈકીનો કારમાં જથ્થો હોવાની ચર્ચા છે.