ભાણવડ અને વડોદરાના ઈસમોએ વર્ક
વિઝાના બદલે ટૂરિસ્ટ વિઝા પકડાવી કરી ઠગાઈ
પોરબંદર, તા.29: પોરબંદરના યુવાનને
આફ્રિકાના વર્કવિઝા આપવાની લાલચ આપી 4 લાખ 11 હજારની છેતરપિંડી કરી હતી. આ કેસમાં ભાણવડ
અને વડોદરાના ઈસમ સામે ગુના દાખલ થયા છે.
પોરબંદરના સાંદીપનિ રોડ પર ભારતનગર-1
ખાતે રહેતા અને વાસુ શીપિંગ કંપનીમાં પ્રાઈવેટ નોકરી કરતા સૌમ્યકાંત ક્રિષ્ણકાંત પાલ
નામના 25 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેને વિદેશ જવાની ઈચ્છા હોવાથી
સોશિયલ મીડિયામાં જાહેરાત જોતો હતો તેમાં ભાણવડ ગામના સલમાન મોટાણી નામના ઈસમે ‘સાઉથ
આફ્રિકામાં બિઝનેસ પાર્ટનરની જરૂર છે.’ તેવી જાહેરાત કરતા ફરિયાદીએ તેને ફોન કરીને
પૂછતા રાજકોટના અનિલ ભીમજી ભરડવાને બિઝનેસ શરૂ કરવાનો હોવાનું જણાવ્યું હતું. એક અઠવાડિયા
પછી સલમાન પોરબંદરની લોર્ડઝ હોટલ ખાતે આવ્યો હતો અને ફરિયાદી સૌમ્યકાંત તેને મળ્યો
હતો ત્યારબાદ સલમાને વિવિધ પ્રોસેસના નામે રૂ.1.20 લાખ લીધા હતા.
ત્યાર પછી સલમાને એવી વાત કરી
હતી કે, ‘તારા સસરા વિપુલભાઈ ગોહેલને પણ મારી સાથે ધંધામાં પાર્ટનર તરીકે આફ્રિકામાં
જોડવાના છે પણ તેનાથી પૈસાની સગવડ થઈ શકતી નથી. માટે તારે સાડા ત્રણ લાખ ભરવાના છે
તેના બદલે ચાર લાખ ભરી દેજે એટલે તને અને તારા સસરાને વર્કવિઝામાં આફ્રિકા મોકલી દઈશ.’
ત્યારબાદ વડોદરાના જે.પી.પોલીસ સ્ટેશન પાસે યુનિવર્સલ ટ્રાવેલ્સ નામની ઓફિસે મુસ્તાક
પટેલ નામના એજન્ટ પાસે ગયા હતા અને પૈસા આપવાનું કહેતા તા.3-12ના મુસ્તાક પટેલના યુનિવર્સલ
ટ્રાવેલ્સના બેંક ખાતામાં 1 લાખ 20 હજાર ઓનલાઈન અને 25 હજાર રોકડ આપ્યા હતા.
ડિસેમ્બર 2023ના અંતે ફરિયાદીના
સસરા વિપુલભાઈ ગોહેલના વિઝા આવી ગયા હોવાથી તેઓ તથા સલમાન વગેરે વડોદરા ગયા હતા અને
ત્રણેયા વર્કવિઝાની જગ્યાએ ટૂરિસ્ટ વિઝા આવ્યા હતા. આથી સલમાનને પૂછતા તેણે એવું જણાવ્યું
હતું કે, ‘િબઝનેસ વિઝા મોડા આવવાના કારણે તારા ટૂરિસ્ટ વિઝા આવ્યા છે.’
ત્યારબાદ ફરિયાદીએ અવારનવાર સલમાનને
ફોન કર્યા હતા પરંતુ તે રીસીવ કરતો ન હતો પરંતુ તે પછી અચાનક એક દિવસ તે ફરિયાદીના
ઘરે આવ્યો હતો અને એવું જણાવ્યું હતું કે, ‘હું તને વિદેશ લઈ જઈ નહીં શકું તો તે ભરેલી
તમામ રકમ પરત મળી જશે.’ ત્યારબાદ અનેક વખત માગણી કરી પરંતુ 4 લાખ 11 હજાર જેટલી રકમ
મેળવી તે પૈકી 1 લાખ 20 હજારની પહોંચ આપી હતી પરંતુ હજુ સુધી બાકીની રકમ નહીં આપતા
અને આફ્રિકા ખાતે નહીં લઈ જતા ભાણવડના સલમાન અજીમ મોટાણી અને વડોદરાના મુસ્તાક સાદિક
પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે.