રિધમ અને વચનામૃત બ્રાન્ડના ઘીનો જથ્થો સીલ; લેબ ટેસ્ટિંગ માટે નમૂના મોકલાયા
અમદાવાદ,
તા.9 : શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી ઘી ધાબડી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો
છે. અમદાવાદમાં ફૂડ વિભાગે બાતમીના આધારે શહેરનાં ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડીને
અંદાજે 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત રૂ.
31,81,273 આંકવામાં આવી છે.
મનપાની
ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે સીટીએમ નજીક ઇન્દ્રપુરી વિસ્તારમાં આવેલા લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ
એસ્ટેટમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં અરાવિંદભાઈ ત્રિકમચંદ નાગર નામના વેપારી રિધમ કાઉ
ઘી અને વચનામૃત કાઉ ઘીના સુપર સ્ટોકિસ્ટ તરીકે વ્યવસાય કરતા ઝડપાયા હતા. સ્થળ પરથી
રૂ. 21.31 લાખની કિંમતનો 3,250 કિલો ઘીનો જથ્થો મળી આવતા ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી એક્ટ
હેઠળ નમૂના લઈ સમગ્ર એકમને સીલ કરી દીધું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ
બન્ને બ્રાન્ડનું ઘી દક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામે આવેલા ઓડે-પીરાણા રોડ પર સાર્થક
ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા બનાવવામાં આવતું હતું. આ અંગે રાજ્ય સરકારને આગળની કાર્યવાહી
માટે અહેવાલ મોકલાયો છે. ત્યારબાદ મનપાની ટીમોએ શહેરમાં આ જ બ્રાન્ડના અન્ય બે વિતરકોને
ત્યાં પણ દરોડા પાડયા હતા, જ્યાંથી વધુ 1,600 કિલોગ્રામ (કિંમત રૂ. 10.49 લાખ) શંકાસ્પદ
ઘીનો જથ્થો જપ્ત કરી વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ
કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.