• સોમવાર, 31 માર્ચ, 2025

ન્યાયપાલિકા અદ્વિતીય, કારણ કે સીધું જનતા સાથે જોડાણ : CJI

એસસીએઓઆરએના કાર્યક્રમમાં સીજેઆઈનું સંબોધન : જસ્ટિસ ઓકાએ કહ્યું, જનતાને ન્યાયપાલિકા ઉપર પૂરો ભરોસો છે તે કહેવું એકદમ યોગ્ય નથી

નવી દિલ્હી, તા. 27 : ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના કહેવા પ્રમાણે ભારતની ન્યાયપાલિકા, સરકારના અન્ય અંગોથી વિપરીત, અદ્વિતીય છે કારણ કે ન્યાયપાલિકા સીધી નાગરિકો સાથે જોડાયેલી છે અને લોકોને સરકાર અને કાયદા સામે પણ ફરિયાદ નોંધાવવાનો સુલભ રસ્તો પ્રદાન કરે છે. સીજેઆઈ ખન્ના સુપ્રીમ કોર્ટ એડવોકેટસ ઓન રેકોર્ડ એસોસિએશન દ્વારા આયોજીત ભારતીય સંવિધાનના 75 વર્ષ પુરા થવાની ઉજવણી નામના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં જસ્ટિસ એએસ ઓકાએ પણ મહત્વનું નિવેદન આપતા પેન્ડિંગ કેસની સંખ્યા ઉપર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે જનતાને ન્યાયપાલિકા ઉપર પુરો ભરોસો છે તે કહેવું પુરી રીતે યોગ્ય નથી.

સીજેઆઈ ખન્નાએ કહ્યું હતું કે, બીજો એક મુદ્દો તેઓને યાદ આવ્યો છે કે શું ન્યાયપાલિકાને વિશિષ્ઠ બનાવે છે. વિધાયકો જનતા દ્વારા ચૂંટવામાં આવે છે. તેઓ જનતાના પ્રતિનિધિ છે અને મુઠ્ઠીભર લોકો છે. કાર્યપાલિકા, રાજનીતિક કાર્યપાલિકા સંસદીય લોકતંત્રમાં હોય છે અને તેની સંસદ કે વિધાયીકા પ્રત્યે જવાબદારી હોય છે. ન્યાયપાલિકાનો લોકો સાથે સીધો જોડાવ છે જે તેને વિશિષ્ઠ બનાવે છે. લોકો માટે સૌથી સરળ પહોંચ ત્રણેય સંસ્થામાંથી કોઈ એક સુધી હોય તો તે ન્યાયપાલિકા છે.

સીજેઆઈએ કહ્યું હતું કે ન્યાયપાલિકામાં કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને સ્પષ્ટીકરણ માગી શકે છે. કોઈપણ નાગરિક સરકાર સામે અથવા તો કાયદાની સંવૈધાનિક શક્તિઓને પડકાર આપતા અદાલતનો દરવાજો ખખડાવી શકે છે.

બીજી તરફ સુપ્રીમ કોર્ટના જજ એએસ ઓકાએ કાર્યક્રમમાં એક મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે વકીલ અને ન્યાયાધીશ વારંવાર એવી ખોટી ધારણા રાખે છે કે જનતાને કોર્ટ ઉપર પુરો ભરોસો છે. તેમણે 4.50 કરોડથી વધારે પેન્ડિંગ કેસ ઉપર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે શું દાવો કરી શકાય કે ન્યાય પ્રણાલીએ સામાન્ય લોકોની અપેક્ષા પુરી કરી છે ? તેમનો વ્યક્તિગત વિચાર છે કે લોકોને ન્યાયપાલિકા ઉપર ભરોસો છે તે નિવેદન પુરી રીતે સાચું નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક