નવી દિલ્હી, તા. 28 : જલિયાંવાલા બાગ હત્યાકાંડનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠયો છે. માગણી થઈ છે કે 106 વર્ષ જુની ઘટના ઉપર બ્રિટને ભારતના લોકોની માફી માગવી જોઈએ. આ માગણી બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કરી છે. તેમણે આ ઘટનાને બ્રિટનના ઈતિહાસ માટે કાળા ધબ્બા જેવી ગણાવી હતી. હત્યાકાંડમાં બ્રિટિશ સૈનિકોએ ભારતીયો ઉપર ગોળીબાર કરાવ્યો હતો.
બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં
જલિયાંવાલા બાગની ઘટના મુદ્દે ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 13 એપ્રિલ
1919માં ઘણા પરિવાર શાંતિપૂર્ણ રીતે એકત્રિત થયા હતા. આ દરમિયાન બ્રિટિશ સેના તરફથી
જનરલ ડાયરે માસુમ લોકો ઉપર ત્યાં સુધી ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો જયાં સુધી ગોળીઓ
ખાલી ન થાય. આ નરસંહારમાં 1500 લોકો માર્યા ગયા હતા અને 1200થી વધારેને ઈજા પહોંચી
હતી. બ્લેકમેને આગળ કહ્યું હતું કે શું હવે સરકાર તરફથી નિવેદન જારી કરીને માની શકાશે
કે આ બનાવમાં ખોટું થયું હતું અને ભારતના લોકોની ઔપચારિક માફી માગવામાં આવે.