નવી દિલ્હી, તા.ર9 : મ્યાંમારમા
આવેલા વિનાશકારી ભૂકંપ બાદ માનવીય સહાય મોકલવા ભારતે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યુ છે.
જે હેઠળ વાયુસેનાનું એક વિમાન શનિવારે સવારે 1પ ટન રાહત સામગ્રી સાથે યાંગૂન એરપોર્ટ
પહોંચ્યું હતું. ભારત સરકારે 80 એનડીઆરએફના બચાવકર્મીઓ તથા સ્નીફર ડોગ્સને મદદ માટે
મોકલ્યા છે જે ત્યાં રેસ્કયૂ ઓપરેશનમાં ભાગ લેશે. જે સાથે ડ્રિલીંગ મશીન, હથોડા, પ્લાઝમા
કટિંગ, કોંક્રિટ કટર સહિતની સામગ્રી મોકલવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર
જયસ્વાલે જણાવ્યું કે રાહત સામગ્રીનો પહેલો જથ્થો યાંગૂનના મુખ્યમંત્રી યૂ સોએ થિનને
ભારતના રાજદૂત અભય ઠાકુરે ઔપચારિક રીતે સોંપ્યો હતો. ભારતીય વાયુસેનાના સી-130જે વિમાને
મ્યાંમાર માટે શનિવારે સવારે ઉડાન ભરી હતી જેમાં તંબૂ, સ્લીપિંગ બેગ, ધાબડા, તૈયાર
ભોજન, પાણી શુદ્ધ કરવાના ઉપકરણ, સ્વચ્છતા કિટ, સૌર લેમ્પ, જનરેટર સેટ, જરૂરી દવાઓ,
મેડિકલ સામગ્રી વગેરે સામેલ છે.
------
મુશ્કેલ સમયમાં ભારત મ્યાંમારની
સાથે : મોદી
મ્યાંમારમાં ભયાનક ભૂકંપ બાદ
આ મુશ્કેલ સમયમાં ભારત મ્યાંમાર સાથે ઉભું છે તેવું આશ્વાસન વડાપ્રધાન મોદીએ મ્યાંમારના
જનરલ એચ.ઈ.હાઈંગ સાથેની ટેલિફોનિક વાતચીતમાં આપ્યું છે. ભારતે મ્યાંમાર પ્રત્યે સંવેદના
દર્શાવતા સંભવ દરેક મદદની ખાતરી આપી છે. ભારતે પાડોશી દેશ અને નજીકના મિત્ર તરીકે મ્યાંમાર
પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે.