નવી દિલ્હી, તા. 29 : પ્રખ્યાત
ઉદ્યોગપતિ એલન મસ્કના સ્વામિત્વના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ અને ભારત સરકાર વચ્ચે
ડિજીટલ સેન્સરશીપ મુદ્દે ચાલતો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. કર્ણાટક હાઈકોર્ટમાં
કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરીને એક્સના આરોપો ફગાવ્યા છે. સરકારે કહ્યું છે કે
એક્સે સહયોગ પોર્ટલને ખોટી રીતે સેન્સરશિપ પોર્ટલ ગણાવ્યું છે. જે દુર્ભાગ્યપૂર્ણ અને
નિંદનિય છે.
એક્સે થોડા સમય પહેલા કર્ણાટક
હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર સામે કેસ દાખલ કર્યો હતો. એક્સનો આરોપ છે કે ભારત સરકાર,
આઈટી કાયદાની ધારા 69એનો દુરુપયોગ કરી રહી છે અને યોગ્ય પ્રક્રિયા વિના ઓનલાઈન સામગ્રીને
બ્લોક કરી રહી છે. એક્સનો દાવો છે કે આવી કાર્યવાહીના કારણે ઓનલાઈન અભિવ્યક્તિની સ્વતંત્રતાને
અસર પડી રહી છે. એક્સનો મુખ્ય આરોપ સહયોગ પોર્ટલ ઉપર છે. જેને સરકારે સોશિયલ મીડિયા
કંપનીઓ અને સરકારી એજન્સીઓ વચ્ચે સારા સમન્વય માટે બનાવવામાં આવ્યું છે. એક્સના કહેવા
પ્રમાણે સરકાર પોર્ટલનો ઉપયોગ ડાયરેક્ટ કંટેન્ટ બ્લોક કરવા માટે કરી રહી છે. જે આઈટી
એક્ટની જોગવાઈનું ઉલ્લંઘન છે. સરકારે કોર્ટમાં
દાખલ કરેલા સોગંદનામામાં આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે એક્સ ખોટી
રીતે પોતાના હિતને યુઝર્સના અધિકારો સાથે જોડીને બતાવવાની કોશિશ કરી રહ્યું છે. સરકારના
કહેવા પ્રમાણે એક્સ જેવી વૈશ્વિક સોશિયલ મીડિયા કંપનીએ આવી શબ્દાવલીના ઉપયોગથી બચવું
જોઈએ. આ મામલો પોતાની જવાબદારીથી બચવાનો પ્રયાસ બતાવે છે.