• સોમવાર, 07 એપ્રિલ, 2025

મોરબીના જુના ઘૂંટું રોડ પર ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા બે મિત્રોનાં મૃત્યુ

ઓવરટેક કરવા જતા બન્યો બનાવ, પરિવારમાં આક્રંદ

મોરબી, તા.2: મોરબીના જુના ઘૂંટું રોડ ટ્રકચાલકે ઓવરટેક કરવા જતા બાઈકને ઠોકરે લીધું હતું. જેથી બાઈક પર જઈ રહેલા બે મિત્રોને ગંભીર ઈજા થઇ હતી. જેના પગલે એકનું  ઘટનાસ્થળે જયારે બીજાનું સારવારમાં મૃત્યુ થયું હતું. બનાવના પગલે મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો હતો.

બનાવની વિગતો મુજબ મોરબી-2 ઇન્દિરાનગરમાં રહેતા સાગર મોમજીભાઈ પાટડીયાના ભાઈ સાવન અને તેનો મિત્ર યશ બાઈક લઇ જુના ઘૂંટું રોડ પરથી જતા હતા ત્યારે જુના ઘૂંટું રોડ પર ત્રાજપર ચોકડીથી કનૈયા પાન તરફ જતી વેળાએ એક ટ્રકને ઓવરટેક કરતી વખતે બાઈક ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે બાઈક ચાલક ત્યાં જ પડી ગયો હતો. સાવનના માથા ઉપરથી વાહન ફરી વળ્યું હતું.

વધુમાં સાવન મોમજીભાઈ પાટડીયા (ઉ.વ.18) અને તેનો મિત્ર યશ રમેશભાઈ માજુશા (ઉ.વ.21) બંને બાઈક લઈને જુના ઘૂટું રોડ પરથી જતા હતા. જે બાઈક યશ ચલાવતો હતો અને સાવન પાછળ બેઠો હતો. ફરિયાદ મુજબ કનૈયા પાન પાસે ટ્રક ચાલકને ઓવરટેક કરતી વખતે ટ્રક ચાલકે ફૂલ સ્પીડમાં ટ્રક ચલાવી બાઈકને અડફેટે લેતા બંને યુવાન પડી ગયા હતા. જેમાં સાવનના માથા પર ટાયર ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયું હતું અને યશને પગમાં ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવાર તેનું પણ મૃત્યુ થયું હતું. બંને યુવાનના મૃત્યુ મામલે સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક