• સોમવાર, 07 જુલાઈ, 2025

...તો ભગવાન જ આ દેશનાં માલિક: સુપ્રીમનાં પૂર્વ જજ

-‘સંવિધાનનાં મૂળ ઢાંચાનાં સિદ્ધાંતોને કોઈપણ પ્રકારે કમજોર કરવામાં આવશે તો જલિયાંવાલા બાગ જેવા નરસંહારની આશંકા’

નવી દિલ્હી,તા.1પ: સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયધીશ રોહિંટન નરીમને સખત શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, જો સંવિધાનનાં મૂળ ઢાંચાનાં સિદ્ધાંતોને કોઈપણ પ્રકારે કમજોર કરવામાં આવશે તો જલિયાંવાલા બાગ જેવા નરસંહાર સમાન ઘટનાઓ આકાર પામવાની આશંકા છે. આ સિદ્ધાંતો કોઈ કારણોસર ખતમ થઈ જાય તો પછી આ દેશનાં માલિક ભગવાન છે!

વર્ષ 1973નાં કેશવાનંદ ભારતી કેસમાં 13 ન્યાયધીશોની પીઠે છ સામે સાતનાં બહુમતથી બંધારણનાં મૂળ ઢાંચાનાં સિદ્ધાંતોને પ્રતિપાદિત કરતાં કહ્યું હતું કે, સંવિધાનનાં આત્મામાં સુધારા કરી શકાય નહીં. જો આમાં પરિવર્તન કરવામાં આવે તો તેની ન્યાયિક સમીક્ષા થઈ શકશે. આમ, આ ફેંસલાએ સંવિધાનમાં સુધારો કરવાની સંસદની સત્તાને પણ સીમિત કરી દીધી હતી. આ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણની બુનિયાદી વિશેષતાઓને સંસદ પણ નિષ્પ્રભાવી કરી ન શકે. આ ઉપરાંત બંધારણીય સુધારાની સમીક્ષા કરવાનો અધિકાર પણ આ ચુકાદાએ અદાલતને આપ્યો હતો. ન્યાયમૂર્તિ નરિમને પોતાનાં પુસ્તક બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન: પ્રોટેક્ટર ઓફ કોન્સ્ટીટયૂશનલ ઈન્ટેગ્રીટીનાં વિમોચન પ્રસંગે કહ્યું હતું કે, હું ફક્ત એટલું જ કહી શકું કે, આ પુસ્તકનો ઉદ્દેશ એટલો છે કે, આ સિદ્ધાંતો હંમેશ માટે છે. જે ક્યારેય ખતમ થઈ શકે નહીં. જો કોઈ કારણોસર તે ખતમ થઈ જાય તો પછી ભગવાન જ આ દેશનાં માલિક છે. જલિયાંવાલા બાગ જેવી ઘટનાઓની આશંકા પેદા થઈ શકે છે.

----------------

‘આવી ટિપ્પણી કરવાની કોર્ટને જરૂર શું?’

 

નવી દિલ્હી, તા.1પ: બળાત્કાર જેવા સંવેદનશીલ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટનાં એક વિવાદાસ્પદ આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે આજે સખત નારાજગી દેખાડતા ઠપકો આપ્યો હતો. આ વિવાદિત આદેશમાં પીડિતા વિશે કહેવામાં આવ્યું હતું કે, તેણે જાતે જ મુસીબતને નોતરું આપ્યું હતું. આનાં વિશે સર્વોચ્ચ અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે, જામીનની અરજી ઉપર સુનાવણી કરતી વખતે આવી વાંધાજનક ટિપ્પણીઓ શા માટે કરવામાં આવી ?

જસ્ટિસ બી.આર.ગવઈની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની પીઠે હાઈકોર્ટની આ ટિપ્પણીઓને અત્યંત અસંવેદનશીલ ગણાવી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ન્યાયપાલિકાને આ પ્રકારની ભાષાથી બચવું જોઈએ.

આ મામલો ઉત્તરપ્રદેશનાં એક બળાત્કાર સંબંધિત છે. જેમાં હાઈકોર્ટે આરોપીને જામીન આપતા કહ્યું હતું કે, પીડિતા એટલા સમજદાર હતી કે, તે પોતાનાં કૃત્યનો નૈતિક પક્ષ અને તેનાં મહત્વને પણ સમજી શકતી હતી. પીડિતા એમએની છાત્રા છે. અદાલતે એવી ટિપ્પણી પણ કરી હતી કે, તે દારૂનાં નશામાં આરોપીનાં ઘરે ગઈ હતી અને જાતે જ મુશ્કેલી વહોરી લીધી હતી. કોર્ટે આગળ કહ્યું હતું કે, જો પીડિતાની એફઆઈઆરમાં કહેવામાં આવેલી વાતોને સાચી માની લેવામાં આવે તો પણ એવો નિષ્કર્ષ કાઢી શકાય કે તેને જાતે જ મુસીબતને તેડાવી હતી. તે પોતે જ આનાં માટે જવાબદાર હતી. હાઈકોર્ટની આવી ટિપ્પણીઓને પગલે દેશમાં કાનૂની અને સામાજિક વર્તુળોમાંથી તીખી પ્રતિક્રિયાઓ આવી હતી.

આ આદેશ ઉપર ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ઉધડો લીધો હતો અને ન્યાયમૂર્તિ બી.આર.ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની પીઠે કહ્યું હતું કે, જો આમાં આરોપીને જામીન આપવા હોય તો આપો પણ પીડિતાએ પોતે જ મુસીબત બોલાવી તે પ્રકારની ટિપ્પણીઓ ટાળવી જોઈતી હતી. ન્યાયધીશોએ આ પ્રકારની વાતો કહેતી વખતે બેહદ સતર્ક રહેવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક