• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

માત્ર સવાલ ન પૂછો, સમાધાન શોધો : મોદી

દિલ્હી આઈઆઈટીના પદવીદાન સમારોહમાં વડાપ્રધાનની છાત્રોને શીખ; સમય પડકારજનક

નવી દિલ્હી, તા. 8 :?કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં છાત્ર આંદોલન બાદ શનિવારે પહેલીવાર છાત્રો વચ્ચે દેખાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મને દેશના યુવાન છાત્રો પર ગર્વ છે.

વડાપ્રધાને દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)ના 57મા પદવીદાન સમારોહને સંબોધતાં છાત્રોને અનેક શીખ આપી હતી.

મોદી બોલ્યા હતા કે, દરેક પેઢીના પોતાના પડકારો અને જવાબદારીઓ હોય છે. આજની પેઢી માટે આવનારો સમય બેહદ પડકારજનક છે. એટલે જ એ સમજો કે, આગામી 35 વર્ષમાં તમારું યુવાનોનું કામ જ વિકસિત ભારતનો આધાર બનશે.

વડાપ્રધાને વિદ્યાર્થીઓની મનોદશા પર રમૂજી શૈલીમાં જણાવ્યું હતું કે, હું બાબા બાગેશ્વર નથી, પરંતુ કઈંક તો આપનાં મનમાં ચાલતું જ હશેને. મોદી આવું બોલતાં સૌ હસવા લાગ્યા હતા.

વડાપ્રધાને કહ્યું હતું કે, આઈઆઈટીના અનેક પૂર્વ છાત્રોની સફળતા જોઈ છે. તેમણે એવી સમસ્યાઓને ઓળખી, જેના પર કોઈનું ધ્યાન નહોતું ગયું.

હંમેશાં શીખતા રહો. માત્ર સવાલ જ ન પૂછો, સમાધાન પણ શોધવા પ્રયાસ કરો, તેવી શીખ વડાપ્રધાને છાત્રોને આપી હતી.

ટેક્નોલોજીની ગતિ એટલી તેજ છે કે, એ કહેવું મુશ્કેલ છે કે, આવનારાં 20-30 વર્ષમાં દુનિયા કેવી હશે. બદલાવ આવે છે, ત્યારે સાથે પડકારો લાવે છે, તેવું મોદી બોલ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક