• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

એઈમ્સની પ્રગતિની સમીક્ષા અંગે પખવાડિયે બેઠક યોજો: મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે એઈમ્સની મુલાકાત લઈને બેઠકમાં અધિકારીઓને સૂચના આપી

રાજકોટ, તા.4 : રાજકોટના આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિ સમાન નિર્માણાધીન ગુજરાતની પ્રથમ એઈમ્સની આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી અને અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. એઈમ્સ પરિસરમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી એઈમ્સના તમામ ઘટકો સંદર્ભે થયેલ કામગીરીની ઝીણવટભરી બાબતોથી માહિતગાર થયા હતા અને નિયત રાષ્ટ્રીય માપદંડોના પાલન સાથે બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.

એઈમ્સની કામગીરી અંગે દર પંદર દિવસે સમીક્ષા બેઠક યોજવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું. સાથે એઈમ્સ સુધી પહોંચવા માટે નાગરિકોને પડતી તકલીફોનું યોગ્ય નિરાકરણ કરવા પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી અને કામગીરીમાં કોઈ પ્રકારની મુશ્કેલી આવે તો તેના નિવારણ અર્થે અંગત રીતે પોતાનું ધ્યાન દોરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી. એઈમ્સ ખાતે અત્યાર સુધી કરાયેલા આરોગ્ય કેમ્પની માહિતી મેળવી જાહેર જનતાના લાભાર્થે વધુને વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવા તેમણે ભાર મુકયો હતો. એઈમ્સ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ પુનિતકુમાર અરોરાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી મુખ્યમંત્રી સમક્ષ એઈમ્સ હેઠળ કાર્યરત કરાયેલા તમામ પ્રોજેક્ટ, પ્રગતિ હેઠળના પ્રકલ્પો તથા ભવિષ્યના પ્રોજેક્ટ વિશેની સમગ્ર જાણકારી રજૂ કરી હતી. એઇમ્સની નિર્ધારિત કામગીરી પૈકી 73 ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનું પણ તેમણે બેઠકમા જણાવ્યું હતું. એઈમ્સ માટેની અંદાજે 200 એકરથી વધુ પૈકીની 90 ટકા જમીન સરકારી હોવાથી જમીન સંપાદનનો પ્રશ્ન મહદ અંશે નિવારી શકાયો હોવાનું જણાવ્યું હતુ.