• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

ઈમેઈલ આઇડીના આધારે ધમકીખોરની શોધખોળ

 

10 હોટલમાં બોમ્બની ધમકીની તપાસ ક્રાઇમ બ્રાંચને

રાજકોટ, તા.ર7 : દેશભરમાં વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ઇ-મેઇલથી ધમકી આપ્યાના બનાવમાં તંત્ર હાઇ એલર્ટ થઈ ગયું હતું. દરમિયાન રાજકોટની દસ નામાંકિત હોટલોને ઇ-મેઇલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, કંઈ વાંધાજનક નહીં મળી આવતાં તંત્રે રાહત અનુભવી હતી. આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, શહેરની દસ નામાંકિત હોટલોને ઉડાવી દેવાનો ઇ-મેઇલથી ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગેની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત 300થી વધુનો કાફલો યાજ્ઞિક રોડ પર આવેલી ઇમ્પિરિયલ પેલેસ હોટલ, સયાજી, પેરામાઉન્ટ સહિતની દસ હોટલ ખાતે સઘન ચેકિંગની કાર્યવાહીમાં જોડાયો હતો અને દસેય હોટલના ખૂણેખૂણા તપાસમાં આવ્યા હતા અને અમુક હોટલોમાં સહેલાણીઓ રોકાયેલા હોય સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે તમામ હોટલોમાં સઘન ચેકિંગ કર્યા બાદ કઈ વાંધાજનક નહીં મળી આવતા હોટલ માલિકો - સ્ટાફ તેમજ પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો તેમજ આ ધમકી ભર્યા ઇ-મેઇલ સંદર્ભે સાઇબર ક્રાઇમના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ આ અંગે પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી અને જ્યાંથી ઇ-મેઇલ કરવામાં આવ્યો હતો. તે આઇડી સંદર્ભે કંપનીમાંથી માહિતી પણ મગાવવામાં આવી હતી. દરમિયાન આ પ્રકરણની તપાસ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ક્રાઇમ બ્રાંચને સોંપતા એસીબી બી. બી. બસિયાનાં માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. આર. ગોંડલિયા તથા સ્ટાફે હાથ ધરી હતી અને હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખસ નજીકના સમયમાં હાથવેતમાં આવી જશે, તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક