પૂરન
સહિતના લખનઉના પાવર હિટર્સ સામે ચેન્નાઇનો બોલિંગ ટેસ્ટ
લખનઉ
તા.13: ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે આઇપીએલમાં આથી ખરાબ તબક્કો કયારે પણ જોયો નથી.
પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન આ ટીમ સળંગ પાંચ મેચ હારી ચૂકી છે. આઇપીએલ ઇતિહાસમાં સીએસકે
પહેલીવાર સતત પાંચ મેચ હારી છે. જેમાં પોતાના ગઢ ચેપોક પરની ત્રણની હાર સામેલ છે. સીએસકેને
હવે આ ગર્તામાંથી બહાર કાઢવા માટે ચમત્કારિક કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ કેટલાક કઠોર
નિર્ણય લેવા પડશે અને ટીમમાં જાન ફૂંકવી પડશે. સોમવારે સીએસકેનો સામનો લખનઉ સુપર જાયન્ટસ
સામે થવાનો છે. આ મેચમાં સીએસકેએ સતત હારના ક્રમ પર બ્રેક મારવી પડશે. બીજી તરફ એલએસજી
તેનો વિજયક્રમ જાળવી રાખવા નબળી ટીમ સીએસકે પર બમણા જોરથી મેદાને પડશે.
સીએસકે
તેનો સર્વશ્રેષ્ઠ બેટર અને કપ્તાન ઋતુરાજ ગાયકવાડ ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. આ
પછી ફરી એકવાર ધોનીએ કપ્તાની સંભાળી છે, પરંતુ ધોની પણ પાછલા મેચમાં સીએસકેની કિસ્મત
બદલી શકયો ન હતો. કેકેઆરનો પ9 દડા બાકી રહેતા 8 વિકેટે વિજય થયો હતો. સીએસકેના ટોચના
ક્રમના બેટધરો ચાલી રહ્યા નથી અને ડેથ ઓવર્સમાં પાવર હિટરની ખોટ પડી રહી છે. ધોની સ્વીકારી
ચૂકયો છે કે અમારા માટે પાવરપ્લેમાં 60 રન કરવા પણ બહુ મોટી વાત છે. રચિન રવીન્દ્ર,
ડવેન કોન્વે, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, શિવમ દૂબે, રવીન્દ્ર જાડેજા અને ધોનીની બેટિંગ
નિષ્ફળતા સીએસકે માટે શિરદર્દ બની ચૂકી છે. કેકેઆર સામેની હાર પછી સીએસકેના બેટિંગ
કોચ માઈકલ હસીએ કહ્યંy કે તેની ટીમ હાર માનનારી નથી. જોરદાર વાપસી કરશે.
બીજી
તરફ એલએસજી ચોથી જીતની શોધમાં ઘરેલુ મેદાન ઇકાના સ્ટેડિયમમાં ઉતરશે. જયાં તેણે શનિવારના
મેચમાં ગુજરાત ટાઈટન્સને હાર આપી હતી. તેના બોલર્સ અને બેટર્સ શાનદાર ફોર્મમાં છે.
ખાસ કરીને નિકોલસ પૂરન અને મિચેલ માર્શ આતશી બેટિંગ કરી રહ્યા છે. તેમના પર અંકુશ મુકવો
સીએસકે બોલર્સ માટે કસોટીરૂપ રહેશે. આવેશખાન, શાર્દુલ ઠાકુર અને રવિ બિશ્નોઇએ ટાઈટન્સ
સામે શાનદાર બોલિંગ કરી ટીમની વાપસી કરવી હતી. લખનઉની એકમાત્ર ચિંતા કપ્તાન ઋષભ પંતનું
કંગાળ ફોર્મ છે. તે આ મેચમાં તેના ગુરૂ ધોની પાસેથી કેટલીક ટિપ્સ લઇ ફોર્મ વાપસીની
કોશિશ કરશે.