• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

નિજ્જર હત્યા : કેનેડામાં ચારેય આરોપીને જામીન

 કોર્ટમાં ટ્રુડો સરકારનો ફજેતો, વધુ સુનાવણી 11 ફેબ્રુઆરીએ

 

ટોરન્ટો, તા.9 : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર મર્ડર કેસમાં કેનેડાની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. તમામ ચારેય આરોપીને જામીન પર છોડવા કોર્ટે આદેશ આપ્યો છે. આ કેસમાં વધુ સુનાવણી 11 ફેબ્રુઆરીએ થશે.

કેનેડાના સર્રેમાં જૂન ર0ર3ના રોજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરાઈ હતી. તપાસને અંતે પોલીસે 4 આરોપીને પકડયા હતા. જેનો કેસ ચાલી જતાં કોર્ટે ચારેય આરોપીને સ્ટે ઓફ પ્રોસિડિંગ્સ હેઠળ જામીન આપ્યા છે. 18 નવેમ્બર ર0ર4ના રોજ થયેલી સુનાવણીમાં આરોપીઓ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટના રેકોર્ડ મુજબ હાલ ચારેયના સ્ટેટસ પર એન લખેલું છે જે સંકેત છે કે તેઓ હાલ કસ્ટડીમાં નથી. તેઓ પોલીસ કેદમાં નથી અને શરતી જામીન પર છે.

ચારેય આરોપીના નામ જાહેર થયા છે જેમાં કરન બરાર, કમલપ્રીત સિંહ, કરનપ્રીત સિંહ અને અમનદીપ સિંહ સામેલ છે. તેમના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને કાવતરું રચ્યાનો આરોપ છે. ત્રણ આરોપી એડમોન્ટનના રહેવાસી છે. વધુ સુનાવણી બ્રિટિશ કોલંબિયાની સુપ્રીમ કોર્ટમાં 11 ફેબ્રુઆરીએ થશે. રાજીનામું આપનાર કેનેડાના કાર્યવાહક પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ઉભા થઈને નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવાયા બાદ બન્ને દેશના સંબંધ વણસ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક