જયદિપ
પંડયા
રાજકોટ,
તા. 22: (ફૂલછાબ ન્યુઝ) ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પૂર્ણમહાકુંભમાં ત્રિવેણી સ્નાન
માટે ગુજરાતી ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું છે. હવે પછી આવો યોગ 144 વર્ષ પછી આવશે જેથી
અત્યારે મહાકુંભ સ્નાનનું મહત્વ જોતા રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી લોકોને તાબડતોબ પ્રયાગરાજ
દોડી જવાની ઈચ્છા થઈ આવી છે. પરંતુ મોડા-મોડા જાગેલા લોકોની ઈચ્છા પુરી થાય તો પણ વ્યવસ્થા
માટે અનેક દોડધામ કરવી પડે એમ છે. કારણ કે રાજકોટથી પ્રયાગરાજ જતી કોઈ પણ ટ્રેનમાં
કોઈ પણ ક્લાસમાં સીટ ખાલી નથી. જ્યારે હવાઈ માર્ગે જવા માટે વાયા દિલ્હી એક જ રૂટ છે.
જેના ભાડા ડબલ જેટલા થઈ ગયા છે. અમદાવાદથી પ્રયાગરાજની ડાયરેક્ટ ફ્લાઈટના ભાડા અધધ
40 હજારથી 50 હજાર સુધી પહોંચી ગયા છે. આ સ્થિતિમાં ભાવિકો ખાનગી વાહન કરીને પ્રયાગરાજનો
રસ્તો કરી રહ્યા છે. આથી ટેમ્પો-ટ્રાવેલર્સની ફુલ ડીમાન્ડ નીકળી છે.
વારાણસી,
બનારસ, નાહરલાગુન ટ્રેન છે, જગ્યા નથી
રાજકોટથી
ઓખા-નાહરલાગુન ટ્રેન નિયમીત ચાલે છે. જે સપ્તાહમાં એક દિવસ હોય છે. જ્યારે બનારસ, વારાણસીની
મહાકુંભ સ્પેશિયલ ટ્રેન મહાકુંભ મેળા સુધી દોડાવવામાં આવી રહી છે. રાજકોટથી ચાર ટ્રેન
પ્રયાગરાજ જાય છે. પરંતુ ચારમાંથી એક પણ ટ્રેનમાં અત્યારની સ્થિતિમાં એક પણ સીટ સ્લીપર
ક્લાસ, થ્રી ટાયર એસી, ટુ ટાયર એસી કે ફર્સ્ટ ક્લાસમાં મળતી નથી. ફર્સ્ટ ક્લાસ એસીના
ભાડાં ફ્લાઈટની સમકક્ષ હોવા છતાં તેમાં પણ વેઈટીંગ છે. થ્રી ટાયરમાં 60થી 120 સુધીનું
અને સ્લીપર ક્લાસમાં 150 જેટલું વેઈટીંગ આવે છે.