મુસ્લિમોના
બંધારણીય અધિકારો પર સીધા હુમલાનો આરોપ, સરકારે ગણાવ્યો પ્રશાસનિક સુધાર
ખડગે,
ઓવૈસી સહિત સાંસદોએ સરકારને ઘેરી, શાહ-રિજિજુએ આપ્યો જવાબ
આનંદ કે. વ્યાસ
નવી
દિલ્હી, તા.13 : વિપક્ષના વોકઆઉટ વચ્ચે વકફ સંશોધન બિલ પર જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ)
નો રિપોર્ટ ગુરુવારે સંસદમાં રજૂ કરાયો હતો. વિપક્ષી સાંસદોના હંગામાને પગલે ગૃહની
કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે આ બિલ મુસ્લિમોના બંધારણિય
અધિકારો પર સીધો હુમલો છે. વકફ બોર્ડને નબળું કરવામાં આવી રહ્યું છે. જો કે સરકારે
આવા આરોપને હાસ્યાસ્પદ કહી બિલને પ્રશાસનિક સુધાર ગણાવ્યું હતું.
કોંગ્રેસના
પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે આ નકલી (ફર્જી) રિપોર્ટ છે. અમારા વાંધા
ડિલીટ કરાયા છે જે ગેરબંધારણિય છે. અસહમતિના સ્વરને સ્થાન ન અપાયું હોય તો રિપોર્ટનો
સ્વીકાર ન કરી ફરી જેપીસીને મોકલવામાં આવે. આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે અમે અમારો
પક્ષ રજૂ કર્યો. તેનાથી સહમત કે અસહમત હોઈ શકો પરંતુ કચરાં ટોપલીમાં કેવી રીતે નાંખી
શકો ? જવાબમાં ગૃહમંત્રી શાહે કહ્યું કે સંસદીય કાર્ય પ્રણાલી અનુસાર જે ઈચ્છો તે જોડી
લો, મારી પાર્ટીને વાંધો નથી. સંસદમાં જયારે રિપોર્ટ રજૂ કરાયો ત્યારે ભારત માતા કી
જય...ના નારા લાગ્યા હતા. બજેટ સત્રના પહેલા તબક્કાના છેલ્લા દિવસે રાજ્યસભા અને લોકસભામાં
વકફ સંશોધન બિલ રજૂ કરવા મુદ્દે વિપક્ષે ભારે હંગામો મચાવ્યો હતો. ભાજપના સાંસદ મેઘા
કુલકર્ણીએ રાજયસભામાં અને લોકસભામાં જેપીસીના ચેરમેન અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે
આ રિપોર્ટ રજૂ કર્યો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે 6પપ પાનાનો રિપોર્ટ
વાંચવા અમોને એક રાત આપવામાં આવી હતી, કેવી રીતે વાંચી શકીએ ? અમોને વાંધા રજૂ કરવા
પુરતો સમય અપાયો નથી. અધ્યક્ષ કોના દબાણમાં કામ કરી રહ્યા છે ? તેના વિરોધમાં આજે અમે
ગૃહમાંથી વોકઆઉટ કર્યો છે. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદીન ઓવૈસીએ કહ્યું કે આ બિલ માત્ર
ગેરબંધારણિય નથી પરંતુ બંધારણની કલમ 14, 1પ અને ર9નો ભંગ કરે છે. તે વકફ સંપત્તિઓને
બચાવવા નહીં નષ્ટ કરવા અને મુસિલમો પાસેથી છીનવવા લાવવામાં આવ્યું છે.
વિપક્ષોના
ભારે હંગામા-વિરોધ વચ્ચે લોકસભામાં ગૃહમંત્રી શાહ અને રાજયસભામાં મંત્રી રિજિજુએ સ્થિતી
સંભાળી આશ્વાસન આપ્યું કે રિપોર્ટનો કોઈ ભાગ હટાવવામાં આવ્યો નથી. સરકાર તરફથી સ્પષ્ટ
કરાયું કે સંસદીય નિયમ 7ર અને 9ર હેઠળ સભાપતિને પૂરો અધિકાર છે કે કોઈ રિપોર્ટનો સ્વીકાર
કરવો કે નહીં ? તેમને વિશેષાધિકાર છે. સભાપતિના નિર્ણયને ખોટો કહી શકાય નહીં. વિપક્ષના
આરોપ પાયાવિહોણા છે. જેપીસી રિપોર્ટ નિયમો હેઠળ તૈયાર કરાયો છે. મંત્રી રિજિજુએ કહ્યું
કે જેપીસી રિપોર્ટમાં અહસમતિવાળા નિવેદન પણ છે, માત્ર આક્ષેપના કેટલાક અંશો હટાવાયા
છે. વાંધો નોંધાવવા માટે સંબંધિત જેપીસી સદસ્યો અપીલ કરી શકે છે.