મોદી
સરકારે દાયકામાં જ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી : રાજ્યસભામાં અમિત શાહની ગર્જના
આનંદ કે. વ્યાસ
નવી
દિલ્હી, તા. 21 : ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાના
જવાબમાં મોદી સરકારની આતંકવાદ વિરોધી કડક નીતિના ઉલ્લેખ સાથે અગાઉની કૉંગ્રેસ સરકારોની
દેશની સુરક્ષા સંબંધી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું કે દાયકા પહેલા
કેન્દ્રમાં મોદી સરકારે શપથ લીધા ત્યારે અમને આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદનો ચાર
દાયકાથી ચાલ્યો આવતો ઉપદ્રવ વારસામાં મળ્યો હતો. મોદી સરકારે સત્તા સંભાળતાં જ આતંકવાદ
સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવા સાથે જ નક્સલવાદ અને પૂર્વોત્તરના ઉગ્રવાદને ડામવા
માટે પણ કડક હાથે કામ લીધું. દેશની આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ આ ત્રણેય સમસ્યા હવે
છેલ્લા શ્વાસ લઇ રહી છે. અમિત શાહે જણાવ્યું
કે 21 સભ્યોએ ગૃહમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા જેમાં ગૃહ મંત્રાલયની કામગીરીના વિવિધ
આયામ પર પ્રકાશ પાડયો. પહેલા તો હું દેશની પોલીસ અને અર્ધસૈનિક દળોના હજારો જવાનો અને
પરિવારોને વંદન કરું છું જેમણે દેશની આંતરિક સુરક્ષાની સાથે જ દેશની સીમાઓની મજબૂતી
માટે સર્વોચ્ચ બલિદાન આપ્યા છે.
ગૃહમાં
અમિત શાહે આગળ કહ્યું હતું કે 2014માં જ્યારે મોદી સરકારે કેન્દ્રમાં સત્તા સંભાળી
ત્યારે વારસામાં કેટલીક સમસ્યાઓ મળી હતી. દેશના વિકાસ અને સુરક્ષાને ત્રણ મુખ્ય સમસ્યાઓ
તરફથી પડકારવામાં આવી છે, આ ત્રણ સમસ્યાઓએ જ દેશની શાંતિમાં બાધા નાખી અને ચાર દાયકાથી
વધુ સમય સુધી વિકાસ આડે અંતરાયો ઊભા કર્યા, દેશની સમગ્ર વ્યવસ્થાને હાસ્યાસ્પદ બનાવી
રાખી હતી. આ ત્રણ મુખ્ય સમસ્યાઓમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ, તિરુપતિથી પશુપતિનાથ
સુધીનાં સપનાં બતાડનારા નક્સલવાદ અને પૂર્વોત્તરમાં ઉગ્રવાદ.
આ ત્રણેય
સમસ્યાઓ એટલી હદે ખતરનાક વકરેલી હતી કે ચાર દાયકામાં 92,000થી વધુ નિર્દોષ નાગરિકોનો
ભોગ લેવાયો હતો. આ ત્રણેય સમસ્યાને ખતમ કરવા ક્યારેય સુનિયોજિત પ્રયાસ પણ નહોતો કરાયો,
પરંતુ મોદી સરકારે સત્તામાં આવતાં જ પહેલા આ ત્રણ સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસો આદરી
દીધા હતા. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિના પરિણામે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી
અને આતંદવાદને કમરતોડ ફટકો માર્યો.
રાહુલ
ગાંધીનું નામ લીધા વગર કૉંગ્રેસ પર પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું હતું કે જે કાળા
ચશ્મા પહેરીને આંખો બંધ રાખે એને ક્યારેય વિકાસ ન દેખાય. એક સાંસદ કાશ્મીર ગયા હતા
જ્યાં કાર્યકરો સાથે બરફની રમતો પણ રમી. એમણે ત્યારે કહ્યું હતું કે દૂરથી એણે આતંકવાદીઓને
જોયા હતા. જેની નજરમાં જ આતંકવાદી હોય એને સપનામાં આતંકવાદીઓ જ દેખાય. અમને તો આતંકવાદી
દેખાય કે તત્કાળ એની બે આંખ વચ્ચે ગોળી ધરબી દઇએ. મોદી સરકાર આતંકવાદ અને આતંકવાદીઓને
સહન ન કરી શકે. આતંકવાદીઓ માટે દેશમાં ક્યાય જગ્યા નથી.
ગૃહ
મંત્રાલયમાં સમય પ્રમાણે બદલાવની જરૂર
અમિત
શાહે જણાવ્યું હતું કે એક રીતે જોઇએ તો ગૃહ મંત્રાલય ખૂબ જ કઠીન પરિસ્થિતિમાં કામ કરે
છે. બંધારણે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્યોને આપી છે. સીમા સુરક્ષા અને આંતરિક
સુરક્ષા કેન્દ્રના ગૃહ મંત્રાલય અંતર્ગત છે. આ એક સાચો નિર્ણય હતો, એમાં કોઇ બદલાવની
જરૂર નહોતી, પરંતુ જ્યારે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્યોની છે તો સ્વતંત્રતાનાં
76 વર્ષ બાદ એવી સ્થિતિ છે કે ગુનાખોરી રાજ્યોની સીમા સુધી મર્યાદિત નથી, આંતરરાજ્ય
અને બહુરાજ્ય સંગઠિત ગુનાખોરી પણ છે. જેમ કે નાર્કોટિક્સ, સાયબર, સંગઠિત ગુનાખોરી,
હવાલા જેવી ગુનાખોરી એક રાજ્યમાં સીમિત નથી હોતી. આજે ટેક્નૉલૉજીના યુગમાં કેટલીક ગુનાખોરી
તો આંતરરાષ્ટ્રીય સ્તરે આચરવામાં આવે છે.
આ બધી
પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હવે ગૃહ મંત્રાલયમાં ફેરફારની જરૂર છે. વડા પ્રધાન નરેન્દ્ર
મોદીના નેતૃત્વમાં અમારી સરકારે છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા
ગૃહ મંત્રાલયમાં લાંબા વખતથી જરૂરી કેટલાક બદલાવ કર્યો છે, એનો અમને ગર્વ છે.