જૂનાગઢ
કુખ્યાત બુટલેગરની મિલકતની ગેરકાયદે દીવાલ તોડી પડાઇ
ગેરકાયદે
વીજજોડાણ કાપી નાખી દંડ ફટકારાયા અને મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું
સલાયા,
મોરબી, બગસરામાં વાહન ડિટેઇન તથા વીજ કનેકશન કટ કરાયા
રાજકોટ
તા.21: અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા પ્રજામાં ભય અને આતંક ફેલાવવાની
ઘટના બાદ સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારબાદ જાણે પોલીસ
સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું
ઝડપ્યું છે તેમ લોકોને એનકેન પ્રકારે હેરાન કરીને અને અન્ય ગુના આચરીને લોકોને હેરાન
કરનાર ગુનેગારોના ગેરકાયદે વીજ જોડાણ કટ કરીને એના ઘરમાં અંધારા પાથરી દેવામાં આવ્યા
છે. આજે ત્રીજા દિવસની કાર્યવાહીમાં જૂનાગઢ, સલાયા, મોરબી, બગસરામાં ગુનેગારોના ઘરની
તપાસ કરવામાં આવી હતી અને ગેરકાયદે વીજ કનેકશન કાપવામાં આવ્યા હતા. અને ગેરકાયદે બાંધકામોને
જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા.
જામ
ખંભાળીયા: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયના માર્ગદર્શન હેઠળ દ્વારકા
જિલ્લાના ચારેય તાલુકા ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકાના તમામ પોલીસ સ્ટેશનોમાં
તેમના વિસ્તારોના અસામાજિક તત્વો તથા ત્રાસ ફેલાવનારા 200ની યાદી તૈયાર કરવામાં આવી
છે. ગઈકાલે જ આ આસામીઓના ઘરની તપાસ, વીજ કનેકશનો કાપવા કાર્યવાહી થઈ હતી તથા ટૂંક સમયમાં આગળની કાર્યવાહી પણ થશે.
ધ્રાંગધ્રા:
ડીવાયએસપી ઓફિસ ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરી નીચે આવતાં ચોરી, જુગાર, શરીર સંબંધિત,
પ્રોહિબિશન ગુનાઓ કરનારા 135 ગુનેગારોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા
મજબૂત બને અને લોકો સુરક્ષા સાથે સલામતી અનુભવે તે માટે અસામાજીક તત્વોને અંકુશમાં
લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વીજ ચેકિંગ હાથ ધરીને
15 કનેકશનમાં 7 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સલાયા:
સલાયા ટાઉનમાં પોલીસ દ્વારા પી.જી.વી.સી.એલ.ની ટીમને સાથે રાખી અસામાજિક તત્વોની સામે
કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગુજસીટોક જેવા ગંભીર ગુનાના કુખ્યાત આરોપી એજાજ
રજાક સંઘાર, રિજવાન રજાક સંઘાર, અકબર રજાક સંઘાર, શબ્બીરહુસેન ઉર્ફે ભૂરો ગુલામહુસેન
સુભણીયા અને અબ્દુલકરીમ સલીમ ભગાડના રહેણાંક મકાને ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં
એક વાહન ડિટેઇન, 4 જેટલા વીજ કનેક્શનો કાપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વીજ કનેક્શન અંગે
3,20,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
સુરત:
શહેરના વરાછામાં આવેલી બોમ્બે કોલોની ખાતે સરકારી જગ્યા ઉપર કબ્જો કરી પાર્કિંગ અને
લારી ગલ્લા મુકી દારૂનુ વેચાણ કરનાર બુટલેગરના ગેરકાયદે કબ્જા ઉપર આખરે બુલડોઝર ફેરવવામાં
આવ્યુ હતુ. વરાછા બોમ્બે કોલોની ખાતે મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો દારૂનું વેચાણ કરતો હતો
તે જગ્યા સરકારી જગ્યા હતી. જ્યાં મહેન્દ્રએ લારી-ગલ્લા મુકી દીધા હતા. દરમિયાન વરાછા
પોલીસ અને સુરત મહાનગર પાલિકાની ટીમ સાથે મહેન્દ્રના ગેરકાયદે કબ્જાવાળી જગ્યા ઉપર
ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
બોટાદ:
જિલ્લામાં 65થી વધારે શંકાસ્પદ ગુનેગારો ઉપર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં
17 ગુનેગારો અને 7 દારૂના કેસમાં સંડોવાયેલા શખ્સોના ઘરે વિજ ચાકિંગ કરીને તપાસમાં
વીજચોરી પકડાઈ હતી અને કાર્યવાહી હાથ ધરાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે જણાવ્યું
કે, જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા માટે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુનાહિત
પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
જૂનાગઢ:
બી ડિવિઝન પોલીસે જોષીપુરાના બુટલેગરો શાહનવાઝ ઉર્ફે શાહુ હની ફસીડા, સમીર હની ફસીડા
અને દિલીપ રાવત માંજરીયાના ઘરમાંથી પીજીવીસીએલના અધિકારીઓ સાથે તપાસ કરતા ગેરકાયદે
જોડાણ મળી આવતા કરી કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાની
શેડની ગેરકાયદે દિવાલ તોડી પાડવામાં આવી છે.
મોરબી:
પોલીસ દ્વારા ખીરઇ ગામે રહેતા સમીર સાઉદીન જેડા અને જાકીર હબીબ જેડા વિરુધ્ધ કાર્યવાહી
કરવામાં આવી છે. આ અસામાજિક તત્વોના ઘરે પીજીવીસીએલના અધિકારી અને પોલીસ સ્ટાફ દ્રારા
ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદે વીજ ચોરી બદલ 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
હતો.
બગસરા:
અમરેલી જિલ્લામાં 113 અસામાજિક તત્વો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે બગસરામાં
બીજા દિવસે બે શખ્સ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. દિવ્યેશગીરી દિનેશગીરી ગોસાઈ
અને સુરેશભાઈ રાણકુભાઈ નાટાને વીજ ચોરી બદલ 76,133નો દંડ ફટકારવામાં આવ્યો છે.