3.4 કરોડથી વધુ મોબાઈલ કનેક્શન પણ થયા રદ : સરકારે સંસદમાં આપેલી જાણકારી
નવી દિલ્હી, તા.22: ટેલિકોમ છેતરપિંડીને રોકવાનાં પ્રયાસોમાં ભારત સરકારે સંચાર સાથી પોર્ટલનાં માધ્યમથી અત્યાર સુધીમાં 3.4 કરોડથી વધુ મોબાઈલ ફોનનાં જોડાણો રદ કરી નાખવામાં આવ્યા છે અને 3.19 લાખ આઈએમઈઆઈ નંબરને બ્લોક કરી દેવાયા છે. દૂરસંચાર વિભાગે કહ્યું હતું કે, એઆઈ અને બિગ ડેટાની મદદથી કુલ મળીને 16.97 લાખ વોટ્સએપ એકાઉન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે. સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ડૉ.પેમ્માસની ચંદ્રશેખરે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં કહ્યું હતું કે, દૂર સંચાર વિભાગની સંચાર સાથી પહેલ હેઠળ 20 હજારથી વધુ બલ્ક એસએમએસ મોકલનારા લોકોને પણ બ્લોક કરવામાં આવ્યા છે. વ્યક્તિગત રૂપે રિપોર્ટ કરવામાં આવેલા શંકાસ્પદ છેતરપિંડી સામે કાર્યવાહી કરવાનાં બદલે દૂરસંચાર વિભાગ વિશ્લેષણ કરીને દૂરસંચારનાં સંસાધનોનાં દુરુપયોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ક્રાઉડસોર્સ કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરે છે. નકલી દસ્તાવેજો વાપરીને મેળવાયેલા શંકાસ્પદ મોબાઈલ કનેક્શનની ઓળખ કરવા માટે એઆઈ આધારિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર દૂરસંચાર સેવા પ્રદાતાઓ દ્વારા 11પ0 સંસ્થા કે વ્યક્તિઓને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને 18.8 લાખથી વધુ કનેક્શનને કાપવામાં આવ્યા છે. આ કાર્યવાહીનાં કારણે નોંધણી વિનાનાં ટેલીમાર્કેટર્સ વિરુદ્ધ ફરિયાદોમાં ઘટાડો પણ જોવાયો છે.