2000
એપોઈન્ટમેન્ટ રદ : ઓટોમેટિક બૉટ્સથી બુકિંગમાં ગોટાળો : દૂતાવાસની આકરી કાર્યવાહી
નવી
દિલ્હી, તા.ર7 : અમેરિકાના વિઝા મેળવવા ભારતમાં એપોઈન્ટમેન્ટમાં ગોટાળાનું કૌભાંડ સામે
આવતાં બુક કરવામાં આવેલા ર000 સ્લોટ રદ કરી નાંખવામાં આવ્યા છે. જેમની એપોઈન્ટમેન્ટ
રદ થઈ છે તેમને સત્તાવાર વેબસાઈટના માધ્યમથી ફરી અરજી કરવા સલાહ અપાઈ છે.
અમેરિકાના
ભારત સ્થિત દૂતાવાસે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે ર000 વિઝા
એપોઈન્ટમેન્ટ રદ કરવામાં આવી છે જે ઓટોમેટિક બૉટ્સના માધ્યમથી કરવામાં આવી હતી. અમેરિકાના
વીઝા ઈન્ટરવ્યૂ માટે સ્લોટ્સને બ્લોક કરાયાનું સામે આવ્યું છે. અમેરિકી દૂતાવાસે આને
પોતાની શેડયૂલિંગ નીતિઓનો ભંગ ગણાવ્યો અને કહ્યું કે આ પ્રકારની હરકતો સહન કરવામાં
નહીં આવે.
દૂતાવાસે
એલાન કર્યુ કે અમારી કાઉન્સુલર ટીમે ભારતમાં ર000 વીઝા એપોઈન્ટમેન્ટ રદ્ કરી છે જે
બૉટ્સ દ્વારા બૂક કરવામાં આવી હતી. અમે એજન્ટો અને વચેટિયાઓની આવી ગતિવિધિ સામે ઝીરો
ટોલરન્સની નીતિ રાખીએ છીએ. એપોઈન્ટમેન્ટો રદ કરીને તેની સાથે જોડાયેલા ખાતાઓની શેડયુલિંગ
સુવિધા બંધ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિઝા માટે એપોઈન્ટમેન્ટમાં સામાન્ય
નાગરિકોને તારીખ મળતી ન હોવાનો અને એજન્ટોને નાણાં ધરવાથી એપોઈન્ટમેન્ટ ફટાફટ મળી જતી
હોવાનો આરોપ લાગ્યા બાદ આ કારસ્તાન સામે આવ્યું છે. પીડિતો સામે આવ્યા હતા જેમાં એક
એ જણાવ્યું કે તેમને એપોઈન્ટમેન્ટ સ્લોટ મળી રહ્યો ન હતો પરંતુ એજન્ટને 30 હજાર રૂપિયા
આપ્યા તો જલ્દી તારીખ મળી ગઈ હતી.