કાઠમંડુ,
તા.29: નેપાળમાં રાજશાહીની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્રની માગ સાથે માર્ગો ઉપર ઉતરી
આવેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે સતત બીજા દિવસે પણ હિંસક અથડામણ ચાલી હતી.
જેમાં પોલીસે અશ્રુવાયુનાં ગોળા અને રબ્બરની ગોળીનો મારો પણ ચલાવ્યો હતો. આ તોફાની
ઘર્ષણમાં અનેક પોલીસકર્મીઓ અને દેખાવકારો ઘાયલ થયા હતાં. બે વ્યક્તિના મૃત્યુ થયા હતા.
કાઠમંડુમાં કાયદો-વ્યવસ્થાને વધુ કથળતી રોકવા અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રશાસને
ટિકુને, સિનામંગલ અને કોટેશ્વર ક્ષેત્રમાં કર્ફ્યુ લાદી દીધો હતો. તનાવ એટલી હદે વધી
ગયો હતો કે, નેપાળની સેનાને પણ સડકો ઉપર ઉતરી દેવી પડી હતી.
આ હિંસક
તોફાનોમાં પૂર્વ શાસક-રાજા જ્ઞાનેન્દ્રનો દોરી સંચાર હોવાનું સામે આવતા એમના પાસપોર્ટ
રદ કરીને કાબૂમાં લેવાની નેપાળ સરકારની યોજના હોવાનું જાણવા મળે છે.
આજે
પણ નેપાળમાં રાજાશાહીની પુન:સ્થાપનાની માંગણી સાથે હિંસક દેખાવો થયા હતા. કાઠમંડુના
તિનકુનેમાં વિરોધીઓએ એક ઇમારતમાં તોડફોડ કરી અને આગ લગાવી હતી. દેખાવકારોએ પોલીસ પર
પથ્થરમારો પણ કર્યો હતો જેના જવાબમાં સુરક્ષા કર્મચારીઓએ અશ્રુવાયુના શેલ છોડવા પડ્યા
હતા. આ ઘટનામાં એક યુવાન ઘાયલ થયો હોવાનું અહેવાલોમાં જણાવવામા આવ્યું હતું.
આ આંદોલનમાં
40થી વધુ નેપાળી સંગઠનોએ ભાગ લીધો હતો. દેઆવકારો ‘રાજા આવો, દેશ બચાવો’, ‘ભ્રષ્ટ સરકાર
મુર્દાબાદ’ અને ‘અમને રાજાશાહી પાછી જોઈઅ’ જેવા નારા લગાવી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ
સરકારને એક અઠવાડિયાનું આખરીનામું આપતાં કહ્યું કે જે તેમની માંગણીઓ પર કાર્યવાહી નહીં
કરવામાં આવે તો વધુ હિંસક દેખાવો કરવામાં આવશે.
નેપાળના
ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્રએ 19 ફેબ્રુઆરીના
નેપાળી પ્રજાતંત્ર દિવસે લોકોનું સમર્થન માંગ્યું હતું. ત્યારથી, દેશમાં ‘રાજા
લાવો, દેશ બચાવો’ આંદોલનની તૈયારીઓ ચાલી રહી હતી.
નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ પર 1 જૂન, 2001ના નારાયણહિતિ હત્યાકાંડમાં
તેમના પરિવારના સભ્યોની હત્યા કરવાનો આરોપ છે. આ ઘટનામાં રાજા વીરેન્દ્ર, રાણી ઐશ્વર્યા
સહિત રાજવી પરિવારના 9 સભ્યોનાં મોત થયાં હતાં.