• બુધવાર, 02 એપ્રિલ, 2025

ન્યારી ડેમ પાસે થયેલા અકસ્માતમાં ઘાયલ યુવાનનું મૃત્યુ

અકસ્માતનો આરોપી બદલાઈ ગયો! રાજકોટ પોલીસ ફરી વિવાદમાં : કારચાલકે એક્ટિવા પર જઈ રહેલા યુવકને અડફેટે લીધો, ડર લાગતાં ડ્રાઈવીંગ સીટ પર બેઠેલો વ્યક્તિ બદલાઈ ગયાની ગૃહમંત્રીને રજૂઆત

કાર ભાભા હોટેલના માલિકની અને અકસ્માત સર્જનાર વ્યક્તિ હ્યુમનરાઈટ્સ ભવનના અધ્યક્ષના પરિવારનો પુત્ર હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ : પોલીસ ફરિયાદી પાસે પુરાવા માગે છે

રાજકોટ તા. 29: (ફૂલછાબ ન્યૂઝ રાજકોટ) ગોંડલમાંથી ગુમ થયેલા અને પછી જેનો મૃતદેહ મળ્યો તે રાજકુમાર જાટના કિસ્સાની વાતો બહાર ન આવે તેવા પોલીસના સતત પ્રયાસ છતાં એક પછી એક ઘટના છતી થઈ રહી છે તેવામાં જ રાજકોટના ન્યારીડેમ પાસે બનેલા એક કિસ્સાની રજૂઆત ગૃહ વિભાગને મળતાં રાજકોટ પોલીસ ફરી વિવાદમાં આવી છે. તા. 21મી માર્ચે અહીં થયેલા અકસ્માતમાં પરાગ ગોહેલ નામનો એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આજે મોડી સાંજે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું તેના મિત્ર અને કેઈસના ફરિયાદી ક્રિશ મેરે જણાવ્યું હતું. યુવકનું આકસ્મિક મૃત્યુ તો દુ:ખદ છે જ પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આ અકસ્માત થયા પછી કારનો ચાલક બદલાઈ ગયાની રજૂઆત થઈ છે. એક્સિડન્ટ વખતે જે વ્યક્તિ ડ્રાઈવીંગ સીટ પર હતો તેને બદલે અન્ય કોઈ ગોઠવાઈ ગયું હતું.

તેની સારવાર ચાલુ હતી તે દરમિયાન તેના પરિવારજનોએ લેખિત રજૂઆત ગૃહ વિભાગને કરી હતી જેમાં જણાવ્યું હતું કે એક્સિડન્ટ થયો ત્યારે મોટરકાર જે વ્યક્તિ ચલાવતો હતો તે ઘટના પછી તરત ડ્રાઈવીંગસીટ પરથી ઉતરીને પાછળ જતો રહ્યો અને પાછળ બેઠેલો વ્યક્તિ કાર ચલાવવા લાગ્યો હતો. પોલીસ ઉપર પણ પરાગના માસીએ ગંભીર આક્ષેપ કર્યા છે. જો કે પોલીસે કહ્યું છે કે તેમની પાસે આવી કોઈ વિગત નથી. પુરાવા મળે તો તપાસ થાય. પરિવારે તો પુત્ર બ્રેઈનડેડ જાહેર થયા બાદ અંગદાન માટે પણ વિચારણા કરી લીધી હતી પરંતુ આખરે સાંજે તેણે અંતિમ શ્વાસ લેતાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઘટના એવી છે કે અકસ્માતનો ભોગ બનનારના માસી પારુલ ચાવડાએ કહ્યા અનુસાર 21મી માર્ચે તેમનો ભાણેજ પરાગ ગોહેલ ન્યારીડેમ રોડ પરથી સ્કુટર પર પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે તેને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા થઈ હતી. ઘાયલ હાલતમાં હોવા છતાં તેની મદદ કરવાને બદલે કાર આગળ ચાલી હતી.  પારુલબહેને પોલીસને આપેલી વિગત અનુસાર એક્સિડન્ટ વખતે જે કાર ચલાવતો હતો તે વ્યક્તિ પાછળ બેસી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે પરાગના પિતા નથી. તેના માતાએ તેને ઉછેર્યો છે. પરિવારજનોએ કહ્યું કે પોલીસે ફરિયાદ નોંધવામાં પણ સહયોગ આપ્યો નથી. ફરિયાદી ક્રિશ અમિતભાઈ મેરે ગૃહ રાજ્યમંત્રી, રાજકોટ પોલીસ કમિશનર સહિતના જવાબદાર લોકોને અરજી કરીને ડ્રાઈવર બદલાઈ ગયાની વિગત આપી છે. તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે અકસ્માત સર્જનાર કારચાલક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઈટ્સ ભવનના અધ્યક્ષ રાજુભાઈ દવે અને જસ્મીનભાઈ દવેના પરિવારનો પુત્ર છે. કાર ભાભા હોટલના માલિકની છે. કોઈ અજાણ્યા વાહનચાલકે લોહી લુહાણ હાલતમાં પરાગને હોસ્પિટલે ખસેડયો હતો. જે કારથી અકસ્માત થયો તે ટાટા નેક્સન પોલીસે કબજે કરી હતી.  ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો છે કે દવે પરિવાર પ્રખ્યાત હોવાથી પોલીસ અમને મદદ કરી રહી નથી. પોલીસમાં નોંધાયેલી વિગત અનુસાર મોટરકાર ભાભા હોટેલના માલિકના પવારના રાજેશકુમાર મહેતાના નામની છે. તેમનો પુત્ર અને તેનો મિત્ર કારમાં હતો. રાજકોટ શહેર પોલીસના ઝોન-2ના ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે 21 માર્ચે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ક્રિશ મેર નામના વ્યક્તિએ આ એક્સિડન્ટની ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રવીણભાઈ બચુભાઈ જાડેજા કાર ચલાવી રહ્યા હોવાનું જ જણાવ્યું હતું અમારી તપાસમાં પણ એ જ વાત આવી છે. પ્રવીણભાઈએ પણ પોલીસ સ્ટેશનમાં આવીને તે કબુલાત કરી છે. પોલીસ પાસે સીસીટીવી કેમેરા કે એવા કોઈ અન્ય પુરાવા નથી કે જેમાં ડ્રાઈવીંગ સીટ પર વ્યક્તિ બદલાતો હોય. છતાં ભોગ બનનારના સગા, માતા કે ફરિયાદી આવી માહિતી આપે તો અમે તપાસ કરીએ. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગઢડાના ટાટમ નજીક કાર અને બુલેટ વચ્ચે અકસ્માત : દાદા-પૌત્રીના મૃત્યુ કારચાલક સહિત બે લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા April 01, Tue, 2025