જર્જરિત રૂમમાં લઈ જઈને છાત્રોને નગ્ન
કરતો હોવાનો આરોપ, ગૃહપતિ અને આચાર્ય સામે ફરિયાદ
જસદણ,
તા.30: રાજ્યમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પર દિન પ્રતિદિન અત્યાચારનાં કિસ્સાઓ
વધી રહ્યા છે. અમુક બાળકોના વાલીઓ પોલીસ મથકે ફરિયાદ કરતા હોય છે જ્યારે અમુક વાલીઓ
સમાજમાં આબરૂ જવાના ડરે ફરિયાદ કરવાનું ટાળતા હોય છે ત્યારે જસદણના આંબરડી ગામે આવેલી
જીવનશાળાની હોસ્ટેલમાં ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આક્ષેપ થયો છે.
જસદણના
આંબરડી જીવનશાળાની હોસ્ટેલમાં ગૃહપતિ કિશન ગાગડિયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે ફરિયાદ
નોંધાઈ છે. જસદણ પોલીસે પોકસો, એટ્રોસિટી સહિત કલમો નોંધી તપાસ શરૂ કરી છે. આંબરડી
ગામની જીવનશાળા હોસ્ટેલમાં ગૃહપતિ કિશન ગાગડિયા પર 14 વર્ષના વિદ્યાર્થી સાથે અભદ્ર
વર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જર્જરિત રૂમમાં લઈ જઈને નગ્ન કરતો હોવાનો પણ વિદ્યાર્થીઓનો
આરોપ છે.
પીડિત
વિદ્યાર્થીએ પોતાના વાલીને જણાવતા સમગ્ર મામલે ખુલાસો થયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ
આચાર્યને ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી
પહોંચ્યો છે. આક્ષેપના પગલે પંથકમાં ચકચાર મચી છે. આ પ્રકરણમાં પોલીસે તપાસ શરૂ કરી
છે.