• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

ઈંધણે ભડકાવી મોંઘવારીની આગ


કોમર્શિયલ LPGમાં 195.50 રૂપિયા, ATFમાં 8.5 ટકાનો વધારો :

IOCLએ પ્રીમિયમ પેટ્રોલ મોંઘું કર્યું : પાંચ કિલોના LPG બાટલાની કિંમત 51 રૂપિયા વધી

 

નવી દિલ્હી, તા. 1 : મિડલ ઇસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની ગંભીર અસર અન્ય દેશો ઉપર પડી રહી છે અને મોંઘવારીમાં વધારો નિશ્ચિત બની રહ્યો છે. આ સ્થિતિમાં ભારતને પણ ટ્રિપલ ઝટકા લાગ્યા છે. ભારતમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર, પ્રીમિયમ પેટ્રોલ અને એટીએફ (વિમાન ઇંધણ)ની કિંમત ફરી એક વખત વધી છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 195.50 રૂપિયા એટીએફની કિંમતમાં 8.5 ટકાનો વધારો થયો છે. જ્યારે આઇઓસીએલ અને શેલ ઈન્ડિયાએ પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારી છે. મિડલ ઇસ્ટ સંકટ વચ્ચે બીજી વખત ત્રણેયની કિંમતમાં વધારો આવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ગેસ અને ક્રૂડની સપ્લાય પ્રભાવિત થઈ છે. જેનાં કારણે ક્રૂડની કિંમત આકાશે આંબી રહી છે. દુનિયાના ઘણા દેશમાં ગેસ અને પેટ્રોલિયમ પદાર્થની કિંમતમાં ભારે વૃદ્ધિ થઈ છે.

નવા નાણાકીય વર્ષનાં પહેલાં જ દિવસે સામાન્ય લોકોને લાગેલા પહેલા ઝટકામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ 1 એપ્રિલથી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 195.50 રૂપિયાનો મોટો વધારો કરી દીધો છે. હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1883 રૂપિયાથી વધીને 2078.50 રૂપિયા થઈ છે. પહેલી માર્ચ પછીથી અત્યારસુધીમાં 19 કિલોના ગેસના બાટલાની કિંમતમાં કુલ 310 રૂપિયાનો વધારો થયો છે. જેનાથી હોટલ રેસ્ટોરાંમાં સીધી અસર જોવા મળી શકે છે. બીજી તરફ ઘરેલુ રાંધણ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ સાતમી માર્ચના રોજ ઘરેલુ રાંધણ ગેસના બાટલામાં 60 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાંચ કિલોના નાના સિલિન્ડરની કિંમત 51 રૂપિયા વધી છે.

વૈશ્વિક તેલ કિંમતમાં ઉછાળાનાં કારણે એટીએફ (એર ટર્બાઇન ફ્યૂલ)ની કિંમત બુધવારે વધારીને  2.07 લાખ રૂપિયા પ્રતિકિલોલીટરથી વધારે કરી દેવામાં આવી હતી. જો કે તેલ માર્કેટિંગ કંપનીઓએ એટીએફની કિંમત ઉપર અમુક કલાકમાં જ યૂ-ટર્ન લીધો હતો. પહેલા કિંમત 100 ટકાથી વધારે વધારી હતી પણ સરકારના હસ્તક્ષેપ બાદ તેને માત્ર 8.5 ટકા કરવામાં આવી હતી. તેલ માર્કેટિંગ કંપનીઓએ પહેલા એટીએફની કિંમતમાં 96 હજાર રૂપિયા વધારી દીધા હતા. બાદમાં 1.4 લાખ રૂપિયાએ કિંમત લાવવામાં આવી હતી.

કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું હતું કે વૈશ્વિક ઊર્જા સંકટ અને હોર્મુઝ બંધ થવા જેવી અસાધારણ સ્થિતિનાં કારણે પહેલી એપ્રિલે એટીએફની કિંમતમાં 100 ટકા વધારાની આશંકા હતી. જો કે વર્તમાન સ્થિતિમાં સરકારે સંતુલિત અને વ્યવહારિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે, પેટ્રોલિયમ મંત્રાલય હેઠળની સાર્વજનિક પેટ્રોલિમય કંપનીઓએ નાગરીક ઉડ્ડયન મંત્રાલય સાથે મળીને ઘરેલુ એરલાઇન્સ માટે એટીએફની કિંમતમાં માત્ર 15 ટકાનો આંશિક વધારો તબક્કાવાર રીતે લાગુ કર્યો છે. આ નિર્ણય યાત્રીઓને ભાડામાં એકદમથી થતા વધારાથી બચાવશે. એરલાઇન્સ ઉપર પડતરનું દબાણ  ઓછું કરશે અને પડકારના સમયમાં એવિયેશન સેક્ટરની સ્થિરતા જાળવી રાખવામાં મદદ કરશે.

આ ઉપરાંત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસીએલ)એ પ્રીમિયમ ઇંધણની કિંમત પહેલી એપ્રિલે વધારી હતી. 100 ઓક્ટેન પેટ્રોલ (એક્સપી100 પેટ્રોલ)ની દિલ્હીમાં કિંમત 147 રૂપિયાથી વધારીને 160 રૂપિયા પ્રતિલિટર થઈ હતી જ્યારે પ્રીમિયમ ડીઝલ એક્સ્ટ્રા ગ્રીનની કિંમત 91.49 રૂપિયાથી વધારીને 92.99 રૂપિયા પ્રતિલિટર થઈ છે. આ અગાઉ 20મી માર્ચના રોજ પ્રીમિયર પેટ્રોલમાં બેથી અઢી રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શેલ ઈન્ડિયા દ્વારા ડીઝલમાં 25 રૂપિયા અને પેટ્રોલમાં 7.41રૂપિયાનો વધારો કરાયો હોવાનું સામે આવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક