લેબનોનનાં મોટા વિસ્તાર ઉપર ઈઝરાયલની કબજાની તૈયારી : બહેરીનમાં એમેઝોનનું ડેટા સેન્ટર બન્યું નિશાન, કતારમાં ઓઈલ ટેન્કર ઉપર ઈરાનનો મિસાઈલ હુમલો : ટ્રમ્પે કહ્યું, બે-ત્રણ અઠવાડિયામાં યુદ્ધ અટકી જશે
નવી દિલ્હી, તા.1: અખાતમાં યુદ્ધનાં પ્રચંડ ધડાકાઓ થંભી રહ્યાં નથી અને રોજ નવી નિવેદનબાજીથી વિશ્વમાં આર્થિક અનિશ્ચિતતા વધારતા અવનવા વળાંકો આવતાં રહે છે. એકબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધમાં સથવારો નહીં મળતા પશ્ચિમી દેશો ઉપર ગિન્નાયેલા છે તો બીજીબાજુ આ જંગ બેથી ત્રણ સપ્તાહમાં આટોપાઈ જવાની આશા પણ વ્યક્ત કરે છે. જો કે આ નિવેદનનાં અમુક કલાકમાં જ ટ્રમ્પે પોતાનાં ચિરપરિચિત અંદાજમાં વધુ એક ચોંકાવતો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઈરાનનાં નવા બુદ્ધિમાન રાષ્ટ્રપતિએ અમેરિકા સામે યુદ્ધવિરામની વિનંતી કરી છે પણ અમેરિકાની શરતો પથ્થર ઉપર લખાયેલી છે. હોર્મુઝ માર્ગ ખોલવો પડશે અન્યથા ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેવા અમેરિકા તૈયાર છે. ઈરાનને તબાહ કરી નાખવામાં આવશે.
સામા છેડે ઈરાન મચક આપી રહ્યું નથી. અમેરિકા સાથે વાટાઘાટ ઉપર જરાય વિશ્વાસ ન હોવાનું દોહરાવી રહ્યું છે. તો બીજીબાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી માલવહન માટે ટોલ વસૂલાતની દરખાસ્ત હવે ઈરાનનાં સંસદીય આયોગે પણ મંજૂર કરી દીધી છે. આમ, તે હોર્મુઝમાં ટોલ ઉઘરાવવાની દિશામાં વધુ એક ડગલું આગળ વધી ગયું છે. દરમિયાન અમેરિકાની કંપનીઓને નિશાન બનાવવાની ધમકી પછી ઈરાને આજે બહેરીનમાં એમેઝોનનાં ડેટા સેન્ટર ઉપર હુમલો બોલાવી દીધો હતો. તો ઈઝરાયલે હવે લેબનોનનાં મોટા વિસ્તાર ઉપર કબજાની તૈયારી શરૂ કરી દીધી છે.
મધ્યપૂર્વનાં આ તનાવમાં ઈરાને અમેરિકાને ખુલ્લી ધમકી આપતાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, એપલ, ઈન્ટેલ, આઈબીએમ, ટેસ્લા અને બોઈંગ સહિતની 18 અમેરિકી કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપીને અમેરિકાનાં કોર્પોરેટ જગતમાં ફફડાટ ફેલાવી દીધો હતો. આ ધમકી મુજબ જ બહેરીનમાં એમેઝોનનાં એક ડેટા સેન્ટરને નિશાન બનાવીને ઈરાને ડ્રોન હુમલો કર્યો હતો. આમાં ડેટા સેન્ટરને સીધુ નુકસાન તો નથી થયું પણ આ હુમલાનાં પગલે તેની સર્વિસ ખોરવાઈ હતી.
દરમિયાન કતારનાં સંરક્ષણ મંત્રાલયે આજે પોતાનાં જળક્ષેત્રમાં ઈરાને ઓઈલ ટેન્કર ઉપર મિસાઈલ દાગી હોવાનું જણાવ્યું હતું. કુવૈતનાં કહેવા અનુસાર તેનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઈરાનનાં હુમલાનાં કારણે ઈંધણની ટાંકીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
બીજીબાજુ ઈઝરાયલે ઈરાન સામે યુદ્ધ વચ્ચે પોતાનાં પાડોશમાં એક ખતરનાક પ્લાન ઉપર કામ કરવાની શરૂઆત કરી દીધી છે. ઈઝરાયલનું કહેવું છે કે, તે દક્ષિણ લેબનોનનાં મોટા હિસ્સા ઉપર કબજો કરી લેશે અને ત્યાંથી પલાયન કરી ચૂકેલા 6 લાખ લોકોને પરત પ્રવેશ આપવાનું નથી. ઈઝરાયલનાં સંરક્ષણ મંત્રી કાત્ઝનાં કહેવા અનુસાર તેમની સેના લેબનોનનાં આ વિસ્તારમાં સુરક્ષા ઝોન બનાવશે અને ત્યાંથી તે હિઝબુલ્લા ઉપર પકડ મજબૂત બનાવશે અને આખા લેબનોન ઉપર નજર રાખશે.
પાક. ખુદ એક સમસ્યા, ભારત સારો મધ્યસ્થી દેશ બની શકે : ઈઝરાયલ
નવી દિલ્હી, તા.1: ઈરાન-અમેરિકા અને ઈઝરાયલની જંગમાં પાકિસ્તાનની મધ્યસ્થતા ઉપર ઈઝરાયલને જરાય ભરોસો નથી. ઈઝરાયલનું કહેવું છે કે, પાકિસ્તાન કરતાં ભારત વધુ બહેતર મધ્યસ્થી સાબિત થયું હોત. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન તરફથી સતત મધ્યસ્થી બનવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો કે ઈરાને વાટાઘાટ માટે ઈનકાર કરી દીધેલો છે.
પાક.નાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસીમ મુનીરે શાંતિ વાટાઘાટ માટે યજમાન બનવાનો અનુરોધ કરેલો. જો કે આમાં હજી સુધી પાક.ને કોઈ નક્કર સફળતા હાથ લાગી નથી. ઈઝરાયલનાં વિદેશ મંત્રાલયનાં વિશેષ દૂત ફ્લૂર હસન-નહૂમને જ્યારે આ સ્થિતિમાં પાકિસ્તાનની મધ્યસ્થી વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, પાક. શું કરી રહ્યું છે એ વિશે તેમને ખ્યાલ હોય એવું લાગતું નથી. તે માત્ર પોતાની જાતને પ્રાસંગિક બનાવવા મથતું હોય તેવું જણાય છે. તે ખુદ જેહાદી આતંકવાદની દુનિયામાં એક બહુ મોટી સમસ્યા છે. જો કે તેઓ પ્રયાસ કરી રહ્યાં છે અને લાગતું નથી કે આમાં તેને કોઈ મોટી સફળતા મળી જાય. આ દરમિયાન ભારત તરફથી લેવામાં આવેલા પગલાની ચર્ચા પણ થઈ હતી અને તેમણે કહ્યું હતું કે, ભારત ઈઝરાયલનો કરીબી સહયોગી દેશ છે. ભારત બધા સાથે બહેતરીન સંબંધ રાખે છે. જો મને પૂછવામાં આવે તો હું કહીશ કે પાક. કરતાં ભારત વધુ સારું મધ્યસ્થ બની શક્યું હોત. જોઈએ હવે આગળ કેવી સ્થિતિ પેદા થાય છે.