ધારાસભ્ય
વિમલ ચુડાસમા અને લલિત વસોયાએ પરિવારની મુલાકાત લીધી
ધોરાજી,
તા.1 : ધોરાજીમાં બે દિવસ પૂર્વે આંગડિયા પેઢી સાથેની નાણાકીય લેતીદેતીમાં કોળી સમાજના
યુવક હિમાલય બારૈયાની કુહાડીના ઘા ઝીંકી કરાયેલી ઘાતકી હત્યાના મામલે ભારે રોષ જોવા
મળી રહ્યો છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી બે આરોપીઓ ભગીરથાસિંહ જેઠવા અને મહિપતાસિંહ
જેઠવાની અટકાયત કરી છે, પરંતુ મૃતકના પરિવારજનોએ અન્ય બે શખ્સોના નામ પણ હોવા છતાં
પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
મૃતકના
કાકા અને ફરિયાદી પરેશભાઈ બારૈયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં
સ્પષ્ટપણે ચાર શખ્સો દેખાઈ રહ્યા છે, જેમાંથી બે શખસ ભાજપના પૂર્વ હોદ્દેદાર હોવાથી
પોલીસ તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં પાછીપાની કરી રહી છે. આ અન્યાય સામે કોળી સમાજમાં
ઉકળાટ જોવા મળતા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ
વસોયાએ મૃતકના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.
ધારાસભ્ય
વિમલ ચુડાસમાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘યુવકની હત્યામાં ચાર લોકો સામેલ
હોવાના પુરાવા હોવા છતાં માત્ર બે જ સામે ગુનો નોંધાયો છે. હું આ બાબતે મુખ્યમંત્રીને
પત્ર લખીને તમામ પુરાવા સોંપીશ અને જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી લડત ચલાવીશું.’
તેમણે વધુમાં ઉમેર્યું કે આરોપીનો કોઈ ધર્મ કે પક્ષ હોતો નથી, અને સમાજના યુવાનને ન્યાય
અપાવવા માટે તેઓ સત્યની સાથે રહેશે.