યુદ્ધના અત્યંત ખરાબ રાજકીય, આર્થિક, સામાજિક પરિણામ
જોઈ, અનુભવી ચૂક્યા પછી પણ અમેરિકા અને ઈરાન પાછું વળીને જોતાં નથી. બન્ને દેશોને ભલે
લડવા માટે, સામસામે ઘાતક પ્રહારો કરીને વિનાશ વેરવા માટેના પોતાના કારણ હશે પરંતુ તેની
વ્યાપક નકારાત્મક અસર વિશ્વના અન્ય હિસ્સાઓ ઉપર થઈ રહી છે. વિક્રમ સંવતના વર્ષ સાથે
ભલે આ બન્ને દેશોને કંઈ નિસબત નહીં પરંતુ આપણે તો એમ કહી શકીએ કે આ વર્ષ પૂર્ણ થઈ ગયું
તેમ છતાં બેમાંથી કોઈને કંઈ અસર થતી નથી. કોઈના મનમાં રામ નથી વસતા. પરસ્પર ધમકી, ચેતવણી
ચાલી જ રહ્યાં છે. મહાસત્તાઓને કોણ સમજાવે કે યુદ્ધ સ્થિતિ હોઈ શકે, તે સ્થાયીભાવ ન
હોવો જોઈએ.
મધ્યસત્ર ચૂંટણીઓમાં પછડાટ ખાધા પછી પણ યુએસએના મુખિયા
ડોનાલ્ડ ટ્રમ્પના સ્વભાવની તીખાશમાં ઓટ નથી આવી. સૈન્ય કાર્યવાહીની તેમણે ચેતવણી આપી
છે. સામે ઈરાને પણ ગર્જના કરતાં કહ્યું કે વાશિંગ્ટન હવે કોઈ પણ હુમલો કરશે તો વિશ્વના
કોઈ પણ સ્થળે અમેરિકી સૈન્ય મથકને નિશાન બનાવીને અમે ઉડાવી દઈશું. બન્ને દેશોને યુદ્ધની
પરિણતીનો ખ્યાલ છે. ઈરાને તો રાષ્ટ્રના વડા ગુમાવ્યા અને અમેરિકાના રાષ્ટ્રવડાએ વિશ્વ
સ્તરે પોતાની છબિ ધૂંધળી થતાં જોઈ તેમ છતાં બન્ને રાષ્ટ્ર હજી પણ યુદ્ધરત છે. ઈરાનના
પરમાણુ કાર્યક્રમ વિશે માહિતી આપનારને ગંજાવર રકમનું ઈનામ મળશે તેવી જાહેરાત ડોનાલ્ડ
ટ્રમ્પે કરી છે. હથિયારોના ઉત્પાદનમાં યુ.એસ.ની ભૂમિકા વિશે પણ તેમના નિવેદનો જગબત્રિસીએ
ચર્ચામાં છે.
અબજો ડોલરનું નુકસાન, સૈનિકો અને સામાન્ય માનવીઓના
રક્તપાત પછી પણ ઈરાન કહે છે કે સંઘર્ષના આ અનુભવ પછી તેમની સેના વધારે મજબૂત બની છે,
વાસ્તવમાં બોધ તો એ હોવો જોઈએ કે યુદ્ધનું પરિણામ ભીષણતાથી વિશેષ કશું નથી.પરંતુ હોર્મુઝ
જળમાર્ગ ખોલવા માટેની તેમની શરતો પણ હજી તો વાટાઘાટનો જ હિસ્સો છે. 2026ના આરંભે ફેબ્રુઆરી
માસમાં, વિક્રમ સંવંત 2082ના ચોથા મહિને યુદ્ધ શરૂ થયું હતું. આજ પર્યંત ચાલી રહ્યું
છે. 28મી ફેબ્રુઆરીએ ઈરાનના વડા આયાતુલ્લા ખોમૈનીનો ખાત્મો બોલી ગયો. આ ઘટનાઓ હજી ગઈકાલની
લાગે પરંતુ તેને પણ મહિનાઓ વિતી ગયા છે, વિતી રહ્યા છે.
યુદ્ધની આ સ્થિતિની અસર વિશ્વને ક્રુડના વધી ગયેલા
ભાવને લીધે થઈ છે. હજી અર્થતંત્ર સામે પડકાર છે. હવે ખમૈયા થવા જ જોઈએ તેવું દુનિયા
ઈચ્છી રહી છે.