• સોમવાર, 09 નવેમ્બર, 2026

ઉદ્વેગ, ઉચાટ વચ્ચે પણ ઉજવણી

દિવાળીનું પર્વ સંપન્ન થયું છે. દેશમાં ભવ્ય ઉજવણી થઈ, અયોધ્યાની દીપમાળે દિવ્ય દૃશ્યો સર્જ્યાં. આ વખતે દેશમાં દિવાળીની ઉજવણી પૂર્વે ઉચાટ અને ઉદ્વેગ હતા. જો કે તે સ્થિતિ વિશ્વસ્તરે હજી છે તેમ છતાં કહી શકાય કે ભારતવાસીઓએ દિવાળીની ઉજવણી તો દિલથી કરી જ લીધી. સમાજજીવનના બદલાતા પ્રવાહો, ટેક્નોલોજી અને માનવીય સંવેદનાના દ્વંદ્વની સતત ચર્ચા વચ્ચે પરંપરા જળવાઈ, આધુનિકતાનું અવતરણ પણ થયું. રાજિંદી ઘટમાળને ભૂલીને લોકો ઉજવણી કરે છે તેવી વિદ્યાર્થીઓના નિબંધની ઉક્તિ જાણે સાકાર થતી જણાઈ.

ગુજરાતમાં અપૂરતા વરસાદની અસર કૃષિક્ષેત્ર ઉપર થઈ છે. ચાર જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરાયા છે. સરકારના આ નિર્ણય પછી પણ ખેડૂતોની માગણી છે કે અન્ય જિલ્લા-િવસ્તાર વિશે પણ સરકારે વિચારવું જોઈએ. ઓછા કૃષિ ઉત્પાદન, પાણીની ઘટની ચિંતા તેમના મનમાં હતી અને હજી છે. વિશ્વસ્તરે અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ છે. યુદ્ધને લીધે ક્રુડ અને તેના પરિણામે અનેક વસ્તુઓ મોંઘી થઈ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જીવનજરૂરી ચીજોના ભાવમાં પણ વધારો થયો છે તેનો પણ લોકોને વસવસો છે, આ મોંઘવારીમાં જીવનનું આયોજન કરવું પણ કેમ અને તે કેટલું સફળ થશે તેવો સવાલ અસ્થાને નથી.

ભારતમાં જૂન માસથી આંદોલનની આબોહવા છે. વિદ્યાર્થીઓએ પેપરલીક મુદ્દે લડાયક મિજાજ દર્શાવ્યો ત્યારથી આજ સુધી દિલ્હી ઉપરાંતના શહેરો- રાજ્યમથકોના જાહેર સ્થળ કોઈ મુદ્દે ચાલી રહેલા આંદોલનથી ભરચક રહ્યા છે. દેશના ચૂંટણી કમિશનર સામે થયેલા ગંભીર આરોપ સાબિત નથી થયા તો તેમાંથી તેઓ નિર્દોષ પણ નથી છૂટ્યા. મતદાર યાદી સઘન સુધારણા સંદર્ભે વ્યક્ત થયેલી શંકા વ્યાપક બની અને દેશભરમાં તેની વિરુદ્ધ એક અવાજ ઉઠ્યો હતો જેના પડઘા હજી સંભળાઈ રહ્યા છે. સરકારે અલબત્ત, બતાવ્યું નથી પરંતુ ચૂંટણીપંચ સામે ઉઠેલા વિરોધથી તેને પણ ઉચાટ તો થયો હતો. યુવાનો અને વૃદ્ધો બધા સડકો ઉપર ઉતર્યા હતા.

મણિપુરમાં હિંસા થઈ રહી છે, દિલ્હી કે કેરલમમાં આંદોલન ચાલુ છે. ગુજરાતમાં રાજકીય સ્થિરતા છે તો ભૌગોલિક-કુદરતી કારણોને લીધે પ્રજાને પરેશાની છે. આ તમામ ઉદ્વેગ અને ઉચાટ વચ્ચે પણ દિવાળી ઉજવાઈ છે. મોંઘવારી છે તેવું ફક્ત વર્તમાનપત્રોમાં નહોતું છપાયું તે ખરેખર છે તેમ છતાં લોકોએ વિવિધ વસ્તુની ખરીદી કરી. વિવિધ પ્રશાસનોએ દિવાળીની ઉજવણી માટેના કાર્યક્રમો યોજ્યા. ઉજવણીનું સ્વરૂપ બદલાયું. સોશિયલ મીડિયા સાઈટ્સ ઉપર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી. આપણા તહેવાર ધાર્મિક ઉપરાંત સામાજિક પરંપરાના પ્રતાબિંબ પણ ઝીલે છે અને તેથી જ વિશ્વમાં બદલાતી ટેક્નોલોજી, માર્કાટિંગના પરિવર્તન પામતા સિદ્ધાંતો, પ્રકારની અસર તહેવારની ઉજવણી ઉપર સ્પષ્ટ જોઈ શકાતી હોય છે.

આ વર્ષની દિવાળી પણ તે રીતે જોઈએ તો આધુનિક ટેક્નોલોજીના સહારે ઉજવાણી છે તેમ કહી શકાય. પ્રદૂષણ, ટ્રાફિકજામ, યાત્રા-પ્રવાસ સ્થળોની સુવિધા જેવા મુદ્દા આ વર્ષે પણ જીવંત છે. આ બધાની વચ્ચે ઉમંગ છે. આખરે દિવાળી દીપનું પર્વ છે અને જ્યારે આંધી હોય, ગતિશીલ પવન હોય ત્યારે જ દીપની કસોટી થાય. આ વર્ષે આ તહેવારના દીપ સંદર્ભે પ્રજાની કસોટી હતી. પ્રજા તેમાંથી પાર ઉતરી એમ કહી શકાય પરંતુ પ્રાર્થના તો એ જ થઈ શકે કે આ ઉચાટ અને ઉદ્વેગ હવે શમે.

 

ઇ-પેપરના નવા શુલ્ક