• મંગળવાર, 21 જુલાઈ, 2026

વાસદ દુષ્કર્મ અને હત્યા કેસ : સાડા ચાર વર્ષની બાળકીના નરાધમ હત્યારાનો ખેલ ખતમ !

પોલીસ પર ચપ્પુ વડે હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા સ્વ-બચાવમાં પીએસઆઈ રાણાએ કર્યું ફાયારિંગ, સારવાર દરમિયાન આરોપીનું મૃત્યુ : બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

રાજકોટ, અમદાવાદ, તા.20: વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના અમાનવીય કાંડથી સમગ્ર ગુજરાતમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપી સુરેશ પરમારે પૂછપરછ માટે લઈ જતી વખતે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા ચપ્પુ વડે હુમલો કરતાં પોલીસે સ્વ-બચાવમાં એનકાઉન્ટર કર્યું હતું. પીએસઆઈ રાણા દ્વારા કરાયેલા ફાયારિંગમાં ગંભીર રીતે ઘવાયેલા નરાધમ આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, બોરસદ રૂરલ પોલીસે બોચાસણના રહેવાસી સુરેશ પરમારની ધરપકડ કર્યા બાદ વધુ પૂછપરછ માટે તેને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને સોંપ્યો હતો. એલસીબીની ટીમ આરોપીને આણંદ લઈ જઈ રહી હતી. ત્યારે રસ્તામાં તેણે ઉલટી કરવાનું બહાનું બતાવી પોલીસ વાહન રોકાવ્યું હતું. વાહન ઊભું રહેતાં જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે અચાનક હુમલો કર્યો હતો, જેમાં મહિપાલાસિંહ અને રાજવીરાસિંહ નામના બે પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. પીએસઆઈ રાણાએ આરોપીને અનેક વખત આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી હતી. તેમ છતાં આરોપી વધુ આક્રમક બનતાં અને હુમલો ચાલુ રાખતાં સ્વબચાવમાં ગોળીબાર કરવો પડયો હતો. ફાયારિંગમાં આરોપીને બે ગોળી વાગી હતી. તેને તાત્કાલિક કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ગત રાત્રે સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે વહેલી સવારે પ્લેટફોર્મના છેડે રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી બાળકીના કપડાં પણ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બાળકી સાથે કથિત દુષ્કર્મ કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટના બાદ પોલીસે અલગ-અલગ તપાસ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશન અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડયો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી રીઢો ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું હતું. આ જઘન્ય ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક