(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.20: ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદ
સાથે સંપર્ક ધરાવતા આતંકવાદીઓ સામે ચાલી રહેલી તપાસ વચ્ચે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં
આજે સુરક્ષા એજન્સીઓ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એન્ટિ-ટેરરિસ્ટ
સ્ક્વોડ દ્વારા અગાઉ ધરપકડ કરાયેલા સાત શંકાસ્પદ આતંકીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે
સિદ્ધપુર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના કથિત કૃત્યો સાથે જોડાયેલા વિવિધ સ્થળોએ
રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ તપાસમાં મળેલી વિગતોની
ચકાસણી, પુરાવા એકત્રિત કરવા અને આતંકી નેટવર્કના અન્ય પાસાઓ સુધી પહોંચવાનો હોવાનું
માનવામાં આવી રહ્યું છે. ધરપકડ કરાયેલા આતંકી મોહમ્મદ ઐયુબ કડિવાલના ખડિયાસણ સ્થિત
ઘરે એટીએસે વધુ એક વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જણાયું છે. અન્ય કેટલાક સ્થળોએ
પણ તપાસ હાથ ધરાઈ હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી
સ્થાનિક પોલીસ અને એટીએસના અધિકારીઓની મોટી ટીમ તૈનાત રખાઈ હતી.
રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી દરમિયાન
સિદ્ધપુરમાં સામાન્ય નાગરિકોની અવરજવર પર પણ જરૂરી નિયંત્રણ રાખવામાં આવ્યું હતું.
આતંકી કડિવાલના ઘરે તપાસ કરવામાં આવી હતી. આતંકી તેના ઘરની અગાશી પર બોમ્બ બનાવવાની
અને વિસ્ફોટક પાવડર તૈયાર કરતો હોવાનું તેના પિતાએ કબૂલ્યું હતું. એટીએસે અગાશી પરથી
બોમ્બ અને વિસ્ફોટક પાવડરનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મળેલી
માહિતીના આધારે તેઓ કયા સ્થળોએ ગયા હતા અને રેકી કરી હતી, કોને-કોને મળ્યા હતા અને
કયા પ્રકારના ષડયંત્રો રચ્યા હતા, તે જાણવાનો છે. જ્યાં બોમ્બ વિસ્ફોટનું પરિક્ષણ કરતા
હતા તે નદીના ભાગમાં પણ સર્ચ કરવામાં આવ્યું છે. બાદમાં એટીએસની ટીમ આતંકીઓને લઈને
સરસ્વતિ તાલુકાના હૈદરપુરા ગામે પણ ગઈ હતી.