• મંગળવાર, 21 જુલાઈ, 2026

અમેરિકા-ઈરાન વચ્ચે 10 દિવસની શાંતિનો પ્રસ્તાવ

મધ્યસ્થીઓએ શરૂ કર્યા પ્રયાસ : અમેરિકા-ઈરાનના હુમલા જારી, હમાસે કરી નવા પ્રમુખની નિયુક્તિ : ઈઝરાયલે કહ્યું, ફરીથી મોટી જંગ માટે તૈયાર

નવીદિલ્હી, તા.20 : ફરીથી આરપારની લડાઈની અણીએ આવી ગયેલા અમેરિકા અને ઈરાન વચ્ચે ગત માસે થયેલી વચગાળાની શાંતિ સમજૂતીને પુનર્જીવિત કરવાનો રસ્તો શોધવા માટે મધ્યસ્થીઓ દ્વારા 10 દિવસ સુધી લડાઈની તીવ્રતા ઘટાડવા અને યુદ્ધવિરામ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવાનું ઈરાનના વરિષ્ઠ અધિકારીના હવાલેથી જાણવા મળી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ પુષ્ટિ આપી હતી કે, મધ્યસ્થીઓ તરફથી શાંતિ પ્રક્રિયા માટે નવા પ્રસ્તાવ અને વિચારો મૂકવામાં આવ્યા હતા.

દરમિયાન હમાસે વર્ષ 2024માં ઈઝરાયલે યાહ્યા સીનવારને ખતમ કરી નાખ્યા બાદ તેનાં    અનુગામી તરીકે ખલીલ અલ હૈયાને પોતાના નવા પ્રમુખ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હમાસને ઈરાનનાં છદ્મ સંગઠન તરીકે જોવામાં આવે છે અને ઈરાન તરફથી તે પણ વિરોધી દેશો વિરુદ્ધ લડી પણ રહ્યું છે.

બીજીબાજુ આજે એક નવા ચોંકાવનારા વળાંકમાં ઈરાની સેના ઈસ્લામિક રિવોલ્યુશ્નરી ગાર્ડ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, જોર્ડનમાં અમેરિકી ઠેકાણાઓ ઉપર હુમલો કરવામાં તેને જોર્નનની પોલીસે જ મદદ પૂરી પાડી હતી. જોર્ડનમાં ઈરાને અમેરિકાનાં કમસેકમ 20 ઠેકાણાઓને નિશાન બનાવ્યાં છે.

દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે સામસામા બોમ્બ અને મિસાઇલમારા આજે પણ ચાલુ રહ્યા હતા. હોર્મુઝ જળમાર્ગમાં આજે એક જહાજ ઉપર હુમલો થયો હતો અને આ હુમલા પછી જહાજમાં આગ ભભૂકી હતી. જહાજમાંથી તમામ ખલાસીઓને તાબડતોબ ખસેડવા પડયા હતા, આગ એટલી વિકરાળ હતી.

ઈરાનનાં હુમલાઓનાં હિસાબે બહેરીન, જોર્ડન, કુવૈત સહિતના દેશોમાં વાયુ રક્ષા સિસ્ટમો સક્રિય કરી દેવામાં આવી છે કારણ કે ઈરાન અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવવાના વધુ પ્રયાસ કરે તેવી ભીતિ છે.

આ દરમિયાન ઈઝરાયલી સેનાએ કહ્યું હતું કે, જોર્ડનનાં બંદર શહેર અકાબા તરફથી દાગવામાં આવેલી ઈરાની મિસાઈલો સીમા પણ પાર કરી શકે છે અને તેનાં હિસાબે ઈઝરાયલમાં પણ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન આજે ગુંજી ઉઠયા હતા. ઈઝરાયલી સેનાએ ફરી એકવાર યુદ્ધ માટે પોતે સજ્જ હોવાનો હુંકાર પણ કર્યો હતો. જો કે આ વખતે ઈઝરાયલને બદલે ઈરાને અમેરિકાના સહયોગી દેશો ઉપર હુમલાનો મારો વધારે રાખ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક