• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે બે પોલીસ ફરિયાદ, 20થી વધુ લોકો સામે કાર્યવાહી

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પોલીસની ફરજમાં રુકાવટ અને આચારસંહિતાના ભંગના આક્ષેપ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.12 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સર્જાયેલા વિવાદમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે બે અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવા, પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા અને આદર્શ આચારસંહિતાના ભંગના આક્ષેપો હેઠળ મેવાણી સહિત 20થી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ચૂંટણીના માહોલમાં પ્રચાર અંગે ધમકી આપવાની ફરિયાદ મળતાં મુનાફ પઠાણને પૂછપરછ માટે સેક્ટર-13 પોલીસ ચોકીમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે જીજ્ઞેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ અને અન્ય સમર્થકો પોલીસ ચોકીમાં પહોંચ્યા હતા. તેમણે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો હોવાનો આક્ષેપ છે. ઉપરાંત, પૂછપરછ દરમિયાન મુનાફને બળજબરીથી બહાર લઈ જવાયો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. બીજી ફરિયાદમાં પેથાપુર વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારનો જાહેર પ્રચાર કર્યાનો આક્ષેપ કરાયો છે. પોલીસે પ્રચાર અટકાવતાં મેવાણીએ પોલીસ અધિકારીઓ વચ્ચે વિખવાદ અને દુર્ભાવ ફેલાય તેવા નિવેદનો સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. પેથાપુરના કેસમાં મેવાણી સહિત અનેક લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ કાર્યવાહી માટે ફરિયાદ નોંધાઈ છે. મતદાન પૂર્ણ થયા બાદ ફરિયાદ નોંધાતાં પોલીસની કાર્યવાહી અંગે સવાલો ઊભા થયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક