દેશમાં ઉત્પાદન 8 ટકા ઘટી શકેઃ કડીમાં ગુજરાત કોટનસીડ ક્રશર્સ એસો.ની બેઠકમાં મૂકાયો અંદાજ
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,તા. 12ઃ ગુજરાતમાં રૂના ઉત્પાદનમાં 11 ટકાનો ઘટાડો આવવાનો અંદાજ છે. ગુજરાત કોટન સીડઝ ક્રશર્સ એસોસીએશનની બેઠક રવિવારે કડીમાં મળી હતી. બેઠક દરમિયાન ગુજરાતમાં 65 લાખ ગાંસડી રૂ ઉત્પાદન થશે તેવું અંદાજાયું છે. ગયા વર્ષનું ઉત્પાદન 73 લાખ ગાંસડી હતુ તેવી જાહેરાત કરવામાં આવી હતી.
સંગઠનના પ્રમુખ પ્રહલાદ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વાવેતર થોડું સારું હતુ પરંતુ વરસાદ અને મોસમની પ્રતિકૂળતાઓને લીધે ઉતારા ઘટ્યા છે. એની અસરે ઉત્પાદન સ્થિર રહેવાને બદલે ઘટ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતમાં પણ ઉત્પાદન ઘટશે. તેમણે સંગઠનના નેજા હેઠળનો 290 લાખ ગાંસડીનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ગયા વર્ષે 315 લાખ ગાંસડી બંધાઇ હતી. આમ ઉત્પાદનમાં 8 ટકાનો ઘટાડો આવશે.
સૌરાષ્ટ્ર જિનર્સ એસોસીએશનની હાજરી બેઠકમાં રહી હતી. પ્રમુખ અરાવિંદ પટેલે દેશમાં 250 લાખ ગાંસડીનું ઉત્પાદન થશે તેવી ધારણા મૂકી હતી. તેમણે કહ્યું હતુ કે, કપાસમાં નુક્સાની અપેક્ષા કરતા વધારે આવવાની શક્યતા છે. તેમણે ગુજરાત અંગે 50 લાખ ગાંસડી આસપાસનો ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો. ઉદ્યોગના વરિષ્ઠ અને અગ્રણી અમૂલ કોટનવાળા ગોરધનભાઇ પટેલે 250-260 લાખ ગાંસડી દેશમાં બંધાઇ શકે તેવી ધારણા મૂકી હતી. જોકે બેઠકમાં ઉપસ્થિત અન્ય અગ્રણીઓએ 260થી 290 લાખ ગાંસડીના દેશના અંદાજો મૂક્યાં હતા.
સૌરાષ્ટ્ર કપાસ, કપાસિયા અને ખોળ સંગઠનના પૂર્વ પ્રમુખ અવધેશ સેજપાલે કહ્યું હતુ કે, બેઠકમાં કપાસિયાનો ભાવ રૂ. 825થી ઘટવાની શક્યતા ઓછી છે તેમ જણાવ્યું હતુ. ઉંચામાં રૂ. 1200 આસપાસનું ટોપ રહેવાની ધારણા મૂકી હતી. તેમણે ખોળ અંગે કહ્યું કે, ખોળમાં રૂ. 1800-1850 બોટમ ભાવ ગણીને ચાલવું જોઇએ, જ્યારે ઉપરમાં રૂ.2500 સુધીની જગ્યા માગ-પુરવઠો-સમયના આધારે રહી શકે છે.
સંકર ગાંસડીના ભાવ અંગે પણ બેઠકમાં ધારણા મૂકાતા રૂ. 75-85000 ટોપ રહેવાની સંભાવના વ્યક્ત થઇ હતી. જ્યારે કપાસમાં રૂ. 1750-1800 બોટમ અને રૂ. 2500નું ટોપ બની શકે તેવા અંદાજો મૂકવામાં આવ્યા હતા.