• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

માઁ ખોડલના જયઘોષ સાથે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા

મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું ઃ યજ્ઞ યોજાયો

રાજકોટ,તા.11 ઃ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ નોરતે આજે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. મા ખોડલના જયઘોષ સાથે પદયાત્રા, મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ દ્વારા નવરાત્રિનો ભક્તિમય પ્રારંભ થયો હતો.

પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ કાગવડ ગામે પહોંચ્યા હતા. ગામવાસીઓએ નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મા ખોડલની આરતી કરવામાં આવી હતી. નરેશ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સવારે નવ વાગ્યે શરૂ થયેલી પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ભક્તોએ ડીજેના તાલે ગરબા રમતાં અને જયઘોષ કરતાં મંદિર સુધી પ્રયાણ કર્યું હતું.

મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ ભાવિકોએ મા ખોડલનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને યજ્ઞશાળામાં યજ્ઞ યોજાયો હતો.

પદયાત્રામાં ટ્રસ્ટીઓ, સામાજિક-રાજકીય આગેવાનો, વિવિધ સમિતિઓના સભ્યો, ઝોન-િજલ્લા-તાલુકા-ગ્રામ્ય કન્વીનરો તેમજ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે ફરાળ, અલ્પાહાર, પાણી અને ઠંડાં પીણાંની વ્યવસ્થા કરાઈ હતી. સ્વયંસેવકોએ સેવા આપી હતી. નવરાત્રિ દરમિયાન મંદિર ખાતે દરરોજ હવન, વિશેષ શણગાર અને ધ્વજારોહણ દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિને લઈને મંદિર પરિસરને પણ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક