ખાવા-પીવાની ચીજો, શાકભાજી, ક્રૂડ તેલ મોંઘા થતાં વધીને 5.54 ટકા થઈ ગઈ
નવી દિલ્હી, તા. 12 ઃ તહેવારોની મોસમમાં જ દેશના સામાન્ય માણસને મોંઘવારીની માર પાડી છે. સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી લગાતાર 11મા મહિને વધીને 5.54 ટકા પર પહોંચી ગઈ છે.
ઓગસ્ટમાં મોંઘવારી દર 4.82 ટકા હતો. અત્યારે ખાવા-પીવાની વસ્તુઓ, શાકભાજીના ભાવ વધ્યા છે. મધ્ય-પૂર્વમાં તાણનાં કારણે ક્રૂડતેલ પણ મોંઘું થતાં છૂટક મોંઘવારી વધી છે. ખાવા-પીવાની ચીજોની મોંઘવારી 5.97 ટકામાંથી વધીને 7.74 ટકા થઈ ગઈ છે. શહેરી મોંઘવારી દર 4.31 ટકામાંથી વધીને 4.88 ટકા થઈ ગયો છે.
બીજી તરફ, ગામડાંઓમાં મોંઘવારી ઘણી વધી છે. ગ્રામીણ દર 5.24 ટકા માંથી વધીને 6.08 ટકા થઈ ગયો છે.
આ વધેલી મોંઘવારીનો સરળ રીતે સમજી શકાય, તેવો અર્થ એ થાય છે કે, 100 રૂપિયામાં જે વસ્તુ મળતી, તેના માટે હવે 105.54 રૂપિયા ચૂકવવા પડશે.
આમતો અગાઉથી જ જેનો ભય હતો, તે સાચો સાબિત થયો છે. પાંચ ટકાને પાર કરી જતાં છૂટક મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના લક્ષ્યથી ઉપર ચાલ્યો ગયો છે.
ક્રૂડતેલ કિંમતોમાં વધારા સાથે રૂપિયામાં ઘસારો તેમજ ખેત પેદારોના ઉત્પાદન અંગે ચિંતાના કારણે મોંઘવારી બેકાબૂ બની છે.
રૂપિયાને ગગડતો રોકવા રિઝર્વ બેન્કનાં મહત્ત્વનાં પગલા
હાજર અને વાયદા બજારમાં સખતાઈઃ સરકારી ઓઈલ કંપનીઓને વેંચાશે ડોલર ઃ પગલાથી રૂપિયામાં મજબૂત ઉછાળો
નવી દિલ્હી, તા.12ઃ ડોલર સામે ગગડતા રૂપિયાને ટેકો આપવા માટે આજે રિઝર્વ બેન્ક (આરબીઆઈ) દ્વારા મહત્વનાં પગલાઓ ભરવામાં આવ્યા હતાં. આરબીઆઈએ સ્પોટ માર્કેમાં ડોલરની માગ ઘટાડવા માટે અને મુદ્રાની સટ્ટાબાજી ઉપર લગામ કસવા માટે 12 ઓક્ટોબરથી પાબંદીઓ લાગુ કરી દીધી છે. જેનાં હિસાબે આજે ડોલર સામે રૂપિયાનાં મૂલ્યમાં 1 ટકાનો ઉછાળો પણ નોંધાયો હતો.
કેન્દ્રીય બેન્ક દ્વારા હાજર અને વાયદા ડોલરની માગ કાબૂમાં કરવા માટે નીતિગત ઉપાયો લાગુ કર્યા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસીએલ), હિન્દુસ્તાન પેટ્રોલિયમ(એચપીસીએલ) અને ભારત પેટ્રોલિયમ(બીપીસીએલ)ને અમેરિકી ડોલર વેચવામાં આવશે. આ આદેશ આજથી જ લાગુ થઈ જશે અને આગામી આદેશ સુધી યથાવત રહેશે. આ વ્યવસ્થા હેઠળ આરબીઆઈ દ્વારા નામાંકિત કરવામાં આવેલી બેન્કોનાં માધ્યમથી ત્રણ જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓને ડોલર વેંચાશે. જેથી આ કંપનીઓ પોતાની દૈનિક વિદેશી મુદ્રાની આવશ્યકતાઓને પૂરી કરી શકશે.
આવી જ રીતે વિદેશી મુદ્રા ડેરિવેટિવનાં વ્યવહારની સીમાને પણ 100 મિલિયન ડોલરથી ઘટાડીને પ મિલિયન ડોલર કરી નાખવામાં આવી છે. આનો ઉદ્દેશ મોટી ડેરિવેટિવ પોઝિશનથી સટ્ટાખોરી ડામવાનો છે. આ ઉપરાંત 20 લાખ ડોલરથી અધિકનાં સાંકેતિક મૂલ્યવાળા પાત્ર રૂપિયા સાથે જોડાયેલા વિદેશી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ માટે પણ વિદેશી મુદ્રા રિસ્ક રિઝર્વની આવશ્યકતા અનિવાર્ય કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હેજીંગ માટે પણ કડક દસ્તાવેજીકરણ લાગુ કરવામાં આવ્યું છે. જોખમને કોઈ અન્ય ડીલર પાસે હેજ કરવામાં આવ્યું ન હોવાની બાંયધરી આપવાની થશે.
વર્ષ 2026માં ડોલર સામે રૂપિયાનાં મૂલ્યમાં 7 ટકા જેટલું તોતિંગ ગાબડું પડી ગયું છે. ત્યારે રૂપિયાને આધાર આપવા માટે કેન્દ્રીય બેન્ક તરફથી આજે લેવામાં આવેલા આ પગલાથી રૂપિયામાં મજબૂત સુધારો પણ જોવા મળ્યો હતો.