• સોમવાર, 09 નવેમ્બર, 2026

ડમ્પર છોડાવવા હેડ કોન્સ્ટેબલે બે લાખની લાંચ માગી, 70 હજાર લેતા રંગેહાથ પકડાયો

એક લાખમાં વહીવટ નક્કી થયો હતો : કચ્છના કોડાય પોલીસ સ્ટેશનમાં એસીબીનું છટકું સફળ રહ્યું

રાજકોટ, તા. 8 : કચ્છ જિલ્લાના પોલીસ બેડામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરીને રૂપિયા 70 હજારની રોકડ લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

 પોલીસ સ્ટેશન પરિસરમાં જ ગોઠવાયેલા લાંચના છટકામાં હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાઈ જતાં સમગ્ર જિલ્લાના પોલીસ તંત્રમાં ભારે ફફડાટ અને ચકચાર મચી જવા પામી છે. કાયદાના રક્ષક તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ જ કાયદેસરની કાર્યવાહીની આડમાં તોડબાજી શરૂ કરી હોવાનો પર્દાફાશ થયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીના ડમ્પર સામે કાયદેસરની કાર્યવાહી ન કરવા અને ડમ્પર છોડી મૂકવા માટે કોડાય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરીએ શરૂઆતમાં રૂપિયા બે લાખ ની તાતિંગ રકમની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી બન્ને પક્ષે થયેલી રકઝકના અંતે લાંચ પેટે રૂપિયા એક લાખ આપવાનું નક્કી થયું હતું. નક્કી થયેલી રકમ પૈકી હેડ કોન્સ્ટેબલે અગાઉ ફરિયાદી પાસેથી રૂપિયા 30,000 એડવાન્સ પેટે પડાવી લીધા હતા અને બાકી નીકળતી રૂપિયા 70,000ની રકમ માટે ફરિયાદી પર સતત ઉઘરાણી અને દબાણ કરવામાં આવી રહ્યું હતું. લાંચની બાકીની રકમ આપવા ન માગતા ફરિયાદીએ સીધો એસીબીનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી લેખિત ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમે પંચોની હાજરીમાં વ્યવસ્થિત છટકું ગોઠવ્યું હતું. કોડાય પોલીસ સ્ટેશન પરિસરમાં જ જ્યારે હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરી ફરિયાદી પાસેથી બાકી નીકળતી લાંચની રકમ રૂ. 70,000 સ્વીકારી રહ્યા હતા ત્યારે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીના અધિકારીઓએ ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

 એસીબીએ આરોપી હેડ કોન્સ્ટેબલ પાસેથી લાંચ પેટે સ્વીકારેલા તમામ 70,000 રોકડા રિકવર કરી લીધા છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે અને તેમની અપ્રમાણસર મિલકતો અંગે પણ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક