(મિલાપ
રૂપારેલ દ્વારા ) અમરેલી તા.7 : અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક હવે હદ વટાવી રહ્યો
હોય તેમ એક પછી એક હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ધારી તાલુકાનાં નાગધ્રા અને દેવળા
ગામમાં બે બાળકને ગંભીર ઈજાના બનાવ બાદ આજે વધુ એક ઘટના ઘટી છે, જેમાં અમરેલી તાલુકાનાં
સણોસરા ગામની સીમમાં દીપડાએ વધુ એક માસૂમ બાળકને નિશાન બનાવી ફાડી ખાતા સમગ્ર પંથકમાં
ભારે ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ છે. ખેતરમાં કપાસના પાક વચ્ચે રમતા પરપ્રાંતીય ખેતમજૂર
પરિવારનાં માત્ર આઠ વર્ષના બાળક પર દીપડાએ અચાનક હુમલો કરી (જુઓ પાનું 10)
તેને
મોતને ઘાટ ઉતારતાં પરિવાર ઉપર આભ તૂટી પડયું છે.
આ બનાવમાં
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી તાલુકાનાં સણોસરા ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતીય
ખેતમજૂર પરિવારનો આઠ વર્ષીય સાહિલ હરેશભાઈ
નામનો બાળક કપાસના ખેતરમાં રમતો હતો ત્યારે જ અચાનક દીપડો બાળક ઉપર ત્રાટક્યો હતો અને
બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બાળકનું કરુણ
મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બનાવને પગલે સમગ્ર
વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની
જાણ થતાં સ્થાનિક વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક બાળકના મૃતદેહને
પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી
તરફ વનવિભાગ દ્વારા હુમલો કરનાર દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
અત્રે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક જ અઠવાડિયાના સમયગાળામાં અમરેલી જિલ્લામાં દીપડાના હુમલાની
આ ત્રીજી ઘટના સામે આવી છે. અગાઉ ધારી તાલુકાના નાગધ્રા અને દેવળા ગામની સીમમાં દીપડાના
હુમલામાં બે બાળકને ગંભીર ઇજા થયાની ઘટનાઓ બની હતી અને હવે અમરેલી તાલુકાનાં સણોસરામાં
આઠ વર્ષનાં બાળકનો ભોગ લેવાતાં વન્ય પ્રાણીના વધતા હુમલાઓ સામે ગ્રામ્ય વિસ્તારોમાં
ચિંતાની લાગણી ફેલાઈ છે.