• બુધવાર, 15 મે, 2024

સરદાર પટેલની અપીલ પર રાજા-મહારાજાઓએ વિલય માટે આપી હતી સહમતી : રાજનાથાસિંહ

ક્ષ     ભારત પાસે નરેન્દ્ર મોદી જેવું મજબૂત નેતૃત્વ છે, તેમની પાસે મિશન, વિઝન અને પેશન છે

ક્ષ     કોંગ્રેસ પાસે ન નેતા છે, ન નીતિ છે, ન તો નિયત છે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિભાજનકારી અને તુષ્ટિકરણથી પ્રેરીત છે 

અમદાવાદ, તા.28 : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, મોદી સરકારના સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહે આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદ કરીને દેશમાં છેલ્લાં 10 વર્ષની સ્થિર મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને સાથે સાથે કોંગ્રેસ અને વિપક્ષી દળો પર સીધો હુમલો કર્યો હતો. રાજનાથાસિંહે રાહુલ ગાંધીની રાજા-મહારાજાઓ અંગેની વિવાદિત ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે રાજ્યના વિલયનો પ્રશ્ન હતો ત્યારે રાજા-મહારાજાઓએ સરદાર પટેલની અપીલ પર વિલય માટે સહમતી આપી હતી અને તમામ રાજાઓએ પોતાનાં રજવાડા આપી દીધાં હતાં. કોંગ્રેસ હતાશા અને નિરાશાની સ્થિતિમાં છે. 

દેશમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે ત્યારે ભાજપે 400 પારનો સંકલ્પ રાખ્યો છે તે સરળતાથી પ્રાપ્ત થવા જઈ રહ્યો છે, એવો દાવો કરતા રાજનાથાસિંહે કહ્યું કે, ચૂંટણી પ્રચારમાં એવાં રાજ્યોમાં જવાની તક મળી છે જ્યાં ભાજપને એક પણ બેઠક પર વિજય નહોતો મળતો તે વિસ્તારમાં આજે ભાજપ મજબૂતાઈથી લડી રહ્યું છે અને ઘણી બેઠકો પર વિજય મેળવશે તેવો વિશ્વાસ છે. 

વધુમાં જણાવ્યું કે, લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે કરેલાં વિકાસનાં કાર્યો, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને વિશ્વસનિયતાના આધારે ચૂંટણી લડી રહ્યા છીએ. દેશને લાંબા સમયથી એક એવાં નેતૃત્વની જરૂર હતી જે દેશને વિકસિત ભારત બનાવે, તે નરેન્દ્ર મોદીનાં રૂપમાં ભારતને સબળ નેતૃત્વ મળી રહ્યું છે. આજે ભારત ઝડપથી વિકસિત થતી અર્થ વ્યવસ્થા છે. આજે ભારત વિશ્વની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. વર્ષ 2027 સુધીમાં ભારત નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે તેને દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે.  રાજનાથાસિંહે ત્રીજા નંબરની  અર્થવ્યવસ્થાનાં કારણો જણાવતા વધુમાં કહ્યું કે, ભારત પાસે નરેન્દ્ર મોદી જેવું મજબૂત નેતૃત્વ છે, તેમની પાસે મિશન, વિઝન અને પેશન છે. કોંગ્રેસ પાસે શું છે ? કોંગ્રેસ પાસે ન નેતા છે, ન નીતિ છે, ન તો નિયત છે. કોંગ્રેસે વર્ષો સુધી સરકારમાં રહી ગરીબી દૂર કરવાની વાતો કરી પણ ગરીબી દૂર કરવા કોઈ મક્કમ પ્રયાસો કર્યા નથી. ઇન્દિરા ગાંધી, મનમોહનાસિંહ પણ ગરીબી દૂર ન કરી શક્યા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિઝનથી 25 કરોડો લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે. આવતાં 10 વર્ષમાં ભારત દેશમાંથી ગરીબી નાબૂદ કરીશું. 

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે તેની શરૂઆત સુરતથી થઈ છે પરંતુ કોંગ્રેસ આરોપ લગાવે છે કે લોકતંત્ર સંકટમાં છે. આ આરોપ લગાવવાનો આધાર શું છે તે કોંગ્રેસે જણાવવું જોઈએ. આ પહેલાં લોકસભાના 28 સાંસદ બિનહરીફ થયા છે, તેમાં કોંગ્રેસના પણ 20 છે. કોંગ્રેસ હારની હતાશામાં આવી ગઈ છે એટલે લોકતંત્ર સંકટમાં છે તેમ કહી રહી છે. કોંગ્રેસે ઇમરજન્સી લાવીને લોકતંત્રની હત્યા કરવાનું કામ કર્યું હતું. ભાજપ સરકારે એક પણ સરકારને પાડવાનું કામ કર્યું હોય તેની વિગત કોંગ્રેસ આપવી જોઈએ. 

વધુમા તેમણે જણાવ્યું કે, ઇડી અને ભ્રષ્ટાચાર અંગે ભાજપ સરકાર કામ કરે છે તો પણ કોંગ્રેસ કહે છે, દેશનાં લોકતંત્ર પર ગંભીર સંકટ આવ્યું છે. યુપીએનાં દસ વર્ષમાં ભ્રષ્ટાચારની ઓલિમ્પિક રમત રમાઈ અને મોટી ઓર્ગેનાઇઝર પાર્ટી કોંગ્રેસ હતી. ભાજપનું સંકલ્પ પત્ર વિકસીત ભારત અને સમર્થ ભારતનાં નિર્માણની મજબૂત ગેરેન્ટી છે અને કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિભાજનકારી અને તુષ્ટિકરણથી પ્રેરીત છે. આઝાદી સમયે મહાત્મા ગાંઘીએ કોંગ્રેસનું વિસર્જન કરવા જણાવ્યું હતું પરંતુ કોંગ્રેસે તેમની વાત ન માની અને હવે દેશની જનતાએ કોંગ્રેસનું વિસર્જન કરવાનો નિર્ણય બનાવી ચૂકી છે. 2024ની લોકસભા ચૂંટણી ભારતનાં લોકતંત્રની મજબૂતી અને વિશ્વસનિયતાનું એક મજબૂત પ્રમાણ બનશે. પાડોશી દેશો સાથે આપણે સારા સંબંધો ઈચ્છીએ છીએ. ભારત ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીં. અમે ક્યારેય તુષ્ટિકરણની રાજનીતિ કરી નથી.

પ્રથમ તબક્કાનાં ઓછા મતદાન અંગે રાજનાથાસિંહે કહ્યું કે, ઇન્ડિયા ગઠબંધનના મતદાતાઓને પણ લાગે છે કે આ ગઠબંધન કોઈપણ રીતે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. તેમનામાં મતદાન પ્રત્યે એવો ઉત્સાહ નથી. બીજું કારણ ગરમી પણ હોઈ શકે છે. જો કે તેમણે આ વાતનો દાવો કર્યો કે અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ ભલે કોઈપણ ઉમેદવાર ઉભો રાખે, જીત ભાજપની જ થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક