• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

જામનગરમાં ઘરમાં ઘૂસી પરિવાર પર બે મહિલા સહિતની ટોળકીનો હુમલો

ઘર પાછળ ઉભેલા શખસોને પડકારતા મામલો બિચકયો

જામનગર, તા.4 : ગુલાબનગરમાં રહેતા જયેશભાઈ દામજીભાઈ નકુમ નામનો યુવાન તેના પરિવાર સાથે ઘેર હતો ત્યારે રતીલાલ ગાંડાલાલ સવાસળિયા, રતીલાલની પત્ની ગીતાબેન, રતિલાલનો મોટોપુત્ર, રતિલાલનો ભાણેજ, એક અજાણ્યો શખસ, પિન્ટુ અશોક સાસળિયા, રમેશ સવાસળિયાનો મોટો પુત્ર, રમેશ સવાસળિયાનો નાનો પુત્ર, રતીલાલનો નાનો પુત્ર અને એક અજાણી મહિલા સહિતનાએ ઘરમાં ઘૂસી પાઇપ-લાકડીથી હુમલો કરી સોડા બોટલ - પથ્થરમારો કરી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા.

આ હુમલામાં જયેશભાઈ નકુમ, તેની પત્ની ગીતાબેન અને ભત્રીજાને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે જયેશભાઈ નકુમની ફરિયાદ પરથી બે મહિલા સહિતની હુમલાખોર ટોળકી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જયેશભાઈ નકુમ સહિતનો પરિવાર બહાર ગયો હતો અને બાદમાં પરત ફરતા જયેશભાઈનાં ઘરના પાછળના રૂમના પતરામાં રતીલાલનો મોટો પુત્ર અને એક શખસ ઉભા હોય પડકારતા અને પોલીસ બોલાવવાનું કહેતા બન્ને શખસ નાસી છૂટયા બાદ રતિલાલ સહિતના હથિયારો સાથે ધસી આવ્યા હતા. પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક